મહુવા પોલીસ મથકમાંથી 'ગટ્ટી'ને ભગાડનાર પીઆઈ દેસાઈ સસ્પેન્ડ
- વહીવટ કરી પાસા હેઠળ ધરપકડ કરવાના બદલે ભગાડી મુક્યો હતો
- પાલિતાણા ડીવાયએસપીના તપાસ રિપોર્ટના આધારે આઈજીએ લીધેલું પગલું : એસ.પી. ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી કરશે
મહુવાના બુટલેગર વિજય ઉર્ફે ગટ્ટી નામના શખ્સ સામે થયેલી પાસા દરખાસ્તને જિલ્લા કલેક્ટરે મંજૂર કરતા શખ્સની ધરપકડ બાદ જેલહવાલે કરવાનો હતો. પરંતુ મહુવા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એ. દેસાઈને લાંચની લાલચની લાળ લબળતા તેમણે પાસાના આરોપીને પોલીસ મથકે બોલાવ્યા બાદ વહીવટ કરી ધરપકડ કરવાના બદલે પોલીસ મથકમાંથી જવા દીધો હતો. જેથી આ શખ્સ ગુજરાત છોડી રાજસ્થાન તરફ નાસી ગયો હતો. દરમિયાનમાં પાપ છાપરે ચડીને પોકારે તેમ પીઆઈએ પાસાના આરોપીને ભગાડી મુક્યાનું બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા પ્રથમ તો મહુવા પીઆઈ દેસાઈને તત્કાલ હેડ ક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા હતા. જ્યારે આરોપીને ભગાડી મુકવામાં પીઆઈની ભૂમિકાનું સત્ય બહાર લાવવા માટે પાલિતાણા ડિવાયએસપી એમ.ડી. બારીયાને તપાસ સોંપવામાં આવી હતી. જેમણે તટસ્થ તપાસ કરી ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકને રિપોર્ટ સોંપતા તેમાં પીઆઈ એમ.એ. દેસાઈ સામે થયેલા આક્ષેપો સત્ય હોવાનું બહાર આવ્યું હતું. જેથી રેન્જ આઈજી ગૌતમ પરમારે આજે સોમવારે સવારે પીઆઈ દેસાઈને સસ્પેન્ડ કરી દીધા હતા અને જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદકુમાર પટેલને સસ્પેન્ડેડ પીઆઈ સામે આગળની ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી સોંપવામાં આવી હોવાનું રેન્જ આઈજી ગૌતમ પરમારે વાતચીતમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, પાસાનો આરોપી વિજય ઉર્ફે ગટ્ટીને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનમાંથી ઉઠાવી લાવી હતી. આ શખ્સ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે. તો તેને ભગાડવામાં ભૂમિકા ભજવનાર પોલીસ ઈન્સ્પેક્ટર દેસાઈ પણ સસ્પેન્ડ થયા છે.