Get The App

પી.આઈ.પાદરીયાની વિરુધ્ધ હત્યાના પ્રયાસની કલમ રદ કરવા કોર્ટને અરજી

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
પી.આઈ.પાદરીયાની વિરુધ્ધ હત્યાના પ્રયાસની કલમ રદ કરવા કોર્ટને અરજી 1 - image


- સરદારધામના અગ્રણી પર ખોડલધામ તરફી પોલીસ અફ્સરના હુમલામાં 

- નાક ઉપર ફ્રેક્ચરની ઈજા અંગે મેડી.સર્ટિ, સાક્ષીઓ, સીસીટીવી ફૂટેજ પરથી પોલીસનો નિર્ણય, આરોપી પી.આઈ.ની ધરપકડ હજુ બાકી

- પાદરીયા ફરિયાદ કરશે તો સરધારા સામે ગુનો નોંધાશે

રાજકોટ: સૌરાષ્ટ્રની બે અગ્રણી પાટીદાર સંસ્થાઓ પૈકી  સરદારધામના સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર ખોડલધામ સાથે જોડાયેલા પી.આઈ. સંજય પાદરિયા વિરુદ્ધ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાતા બાદ આજે પોલીસે આ કેસમાં જીવલેણ ઈજા નહીં હોવાના મેડીકલ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ફૂટેજના આધારે ખૂનના પ્રયાસની ક. ૧૦૯ દૂર કરા અને બી.એન.એસ.ક.૧૧૭(૨) એટલે કે મહાવ્યથા પહોંચાડવાની કલમ ઉમેરવા કોર્ટને અરજી કરાઈ છે. 

જો કે આ અંગે હજુ આરોપી પી.આઈ. પાદરિયાને પોલીસતંત્ર પકડી શક્યું નથી, આ અંગે જુદી જુદી પોલીસ ટીમો તેને શોધી રહી છે પરંતુ, ત્રણ દિવસમાં તે મળેલ નથી તેમ જણાવાયું છે અને તે પૂર્વે તેની સામે ભારે ગુનાની કલમ હળવી કલમમાં ફેરવવા કોર્ટને અરજી થઈ છે. 

આજે રાજકોટના ડી.સી.પી.એ જાહેર કર્યા મૂજબ  ફરિયાદી જયંતિભાઈ સરધારાને નાકમાં ફ્રેક્ચરની ઈજા થઈ છે, મેડીકલ રિપોર્ટ મૂજબ કોઈ જીવલેણ ઈજા થઈ નથી જે અન્વયે ખૂનની કોશિષની કલમ રદ કરવા કોર્ટને અરજી થઈ છે અને મહાવ્યથાની કલમ ઉમેરવા અરજી થઈ છે. આરોપી પોલીસ ઈન્સપેક્ટરે હથિયારથી હુમલો કર્યાની વાતને પણ સી.સી.ટી.વી. ફૂટેજથી સમર્થન નહીં મળતું તેમજ તટસ્થ સાહેદોના નિવેદન પરથી પણ જીવલેણ હુમલો નહીં હોવાનું તારણ નીકળ્યાનો દાવો પોલીસે કર્યો છે.

ડી.સી.પી.એ વધુમાં ઉમેર્યું કે ફરિયાદી વિરુદ્ધ આરોપી પી.આઈ.ફરિયાદ આપશે તો સરધારા સામે પણ ગુનો નોંધાશે. તો બીજી તરફ પ્રાપ્ત માહિતી અનુસાર જંયતિ સરધારા પણ હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા સામે વાંધો ઉઠાવવા તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બનાવે સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવી છે. 


Google NewsGoogle News