Get The App

આટકોટના હુમલા પ્રકરણમાં લૂંટની કલમનો ઉમેરો કરવા આવેદનપત્ર

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
આટકોટના હુમલા પ્રકરણમાં લૂંટની કલમનો ઉમેરો કરવા આવેદનપત્ર 1 - image


- ત્રણ દિવસ પહેલા બનેલી ઘટનામાં

- શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટીનાં સમર્થનમાં મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરોને ડે.કલેકટર, પોલીસ સમક્ષ માગણી કરી

જસદણ : જસદણ તાલુકાના આટકોટ ગામે ત્રણ દિવસ પૂર્વે પટેલ સમાજની સંસ્થા ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ નાં  મેનેજિંગ ટ્રસ્ટી અરજણભાઈ રામાણી ઉપર થયેલા હુમલા પ્રકરણમાં તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને આટકોટ પોલીસ સ્ટેશન ખાતે તેમજ જસદણ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. તેમજ નોંધાયેલા ગુન્હામાં લૂંટની કલમનો ઉમેરો કરવા માગણી કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રૂડા ભગત અને તેની ટીમના ૪૦ જેટલા લોકો દ્વારા આટકોટ શૈક્ષણિક સંકુલ ખાતે કોમ્પ્યુટર સીપીયુ વગેરે સાધનોની લૂંટ ચલાવવી હોવા છતાં અને ખરેખર સીસીટીવી કેમેરામાં પણ લૂંટનો બનાવ બન્યો હોવાના આધાર પુરાવા હોવા છતાં  પોલીસ ફરિયાદમાં લૂંટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આવેદનપત્ર રેલી વગેરેના કાર્યક્રમમાં  અરજણભાઈ રામાણી ઉપરાંત વીર નગરના યુવા અગ્રણી અને જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા, કમળાપુરના સરપંચ ધીરુભાઈ રામાણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવેલા શખ્સો એ શૈક્ષણિક સંકુલની ઓફિસમાં રહેલા સીપીયુ, રાઉટર વગેરે લઈને નાસી ગયા હતા. સંસ્થાના કર્મચારીઓ પાસેથી મોબાઇલ પણ લઈ લીધા હતા જોકે આતંક મચાવીને ગયા ત્યારે મોબાઈલ પરત આપી દીધા હતા. આ બનાવમાં ટ્રસ્ટી અરજણભાઈ રામાણી સાથે  ઝપાઝપી થઈ હતી અને તેમના હાથમાં ઈજા પહોંચી હતી.  સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પાટીદાર સમાજની આ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અગ્રણી ઉદ્યોગપતિ રૂડા ભગતે કરી હતી અને વર્ષો સુધી તેમણે આ સંસ્થાનું સંચાલન કર્યું હતું પરંતુ અંદાજે  દશ - બાર વર્ષ પહેલા અરજણભાઈ રામાણીએ રૂડા ભગત પાસેથી આ સંસ્થાનું સંચાલન સંભાળ્યું હતું. પાટીદાર સમાજના બે જૂથ વચ્ચે થયેલા આ બનાવને પગલે પાટીદાર સમાજમાં મોટી ચર્ચા જાગી છે.


Google NewsGoogle News