સિહોરમાં રસ્તા ઉપર વહેતા કાયમી ગટરના ગંદા પાણી, નાગરિકો ત્રસ્ત
51 ખર્ચે ભુગર્ભ ગટરના ભુંગળા કયાં નાંખવામાં આવ્યા ? લોકોમાં સવાલ
છેલ્લા ઘણાં સમયથી ઉભરાતી ગટરનો પ્રશ્ન છતાં નગરપાલિકા તંત્રના આંખ આડા કાન, રિપેરીંગ માટે રોડ તોડયાં બાદ મસમોટા ખાડા જેમ ના તેમ રાખવામાં આવતા હોવાની રાવ
સિહોર : સિહોર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રસ્તા ઉપર કાયમી ધોરણે ગટરના ગંદા પાણી વહેતા હોવાથી નાગરિકો ત્રસ્ત બની ગયા છે. આ પ્રશ્ને નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
સિહોરમાં વર્ષો પૂર્વે ૫૧ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજના હેઠળ ભુંગળા નાંખવામાં આવ્યા હતા. જેમાં એજન્સીએ નબળી કક્ષાની અને અધૂરી કામગીરી કરી હોવા છતાં ન.પા. તંત્ર દ્વારા એજન્સીને પૂરેપૂરી રકમનું ચૂકવણું કરવા દેવામાં આવ્યું હતું. જેને લઈ જનરલ બોર્ડમાં વિજિલન્સ તપાસની માંગ થયા બાદ શું કાર્યવાહી કરાઈ ? તેની કોઈને જાણ નથી. નબળી કામગીરીના પાપે આજે એવી સ્થિતિનું નિર્માણ ઉભું થયું છે કે, સિહોર શહેરની એકપણ ગલી, સોસાયટી કે શેરી નથી, જ્યાં ગટર ઉભરાતી હોવાનો પ્રશ્ન ન હોય! ત્યારે લોકોમાં એ પણ સવાલ ઉભો થયો છે કે, ૫૧ ખર્ચે ભુગર્ભ ગટરના ભુંગળા કયાં નાંખવામાં આવ્યા ? વધુમાં ગટર અને પાણીની લાઈન રોડની વચોવચ નાંખવામાં આવી હોવાથી લાઈન તૂટી જવાના બનાવ છાશવારે બની રહ્યા છે. જેનું રિપેરીંગ કામ કરવા માટે રોડ ખોદવામાં આવ્યા બાદ મસમોટા ખાડા જેમ ના તેમ રાખવામાં આવતા હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રોડ તોડવા અને ખાડા કરવાનો પ્રશ્ન ઉભા ન થાય તેમજ રોડની સલામતી જળવાઈ રહે તે માટે નગરપાલિકા તંત્રે યોગ્ય કાર્યવાહી કરવા અને ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સિહોરની જનતામાં માંગણી ઉઠી છે.