Get The App

વિકાસના બણગાં વચ્ચે માધવપુરની જનતા વર્ષોથી પાણી ખરીદીને પીવા માટે મજબૂર

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
વિકાસના બણગાં વચ્ચે માધવપુરની જનતા વર્ષોથી પાણી ખરીદીને પીવા માટે મજબૂર 1 - image


દર વર્ષે રાષ્ટ્રપતિ, રાજયપાલ, મુખ્યમંત્રી આવે પણ સમસ્યા ઉકેલાતી નથી

શાકભાજીની જેમ શેરીએ શેરીએ મીઠા પાણીનુંં વેચાણઃ ફકત ૮૦૦ મીટર પાઈપ લાઈનના અભાવે નર્મદાના નીર છેટાં

માધવપુર :  દર વર્ષે માધવપુરના મેળાના આયોજનમાં કરોડો રૃપિયાનું પાણી થાય છતાં અહીની જનતા વર્ષોથી એક એક બેડા પાણી માટે વલખાં મારે છે. છતાં વિકાસની વાતોના બણગાં ફૂકનારાઓ માધવપુરથી માત્ર ૮૦૦ મીટર પાઈપ લાઈન બીછાવી સામરડા,શરમા ગામના નર્મદા સમ્પથી માધવપુર નર્મદાના નીર લાવી શકતા નથી આથી અહીની જનતા અનેક વર્ષોથી વેચાતું પાણી લઈને જીવન બસર કરે છે.

માધવપુરમાં દર વર્ષે પ્રચારાત્મક સ્ટન્ટ કરીને રાષ્ટ્રકક્ષાનો મેળો યોજે છે. એમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આવે છે. આ વખતે નેતાઓની ઉડાઉડ વધી જાય છે. પણ અહીની વીસ હજારની વસતિનું બેઝિક કલ્યાણ થતું નથી. અહી દરિયાકાંઠે અગાધ જળ નીરખતું માધવપુર મીઠા પાણીના એક એક લોટા માટે વલખાં મારે છે. આ એક અઠવાડિયા કે એક મહિનાની વાત નથી અહી વર્ષોથી મીઠા પાણી માટે લોકો વલખાં મારે છે. અહી જુદા જુદા વેપારોની વચ્ચે એક વધુ વેપાર ઉમેરાયો છે એ છે પાણીનો વેપાર... શાસકોના પાપે અહી લોકોએ શેરીએ શેરીએ ઘુમતી રિક્ષામાંથી પાણી ખરીદવું પડે છે. લોકોએ એક રિક્ષા ટેન્કરના રૃા.૧૫૦ ચૂકવવા પડે છે. શિયાળો હોય કે ઉનાળો અહી આ સ્થિતિ છે.અહી શેરીમાં શાકભાજીની જેમ પાણી વેચાય છે. એક બેડુ પાણી ખરીદવા માટે રૃા. ર થી ૩ ચૂકવવા પડે છે. અહી દુધના માપિયાની જેમ પાણી વેચાય છે.

માધવપુરને સરકારે પ્રવાસન મથક જાહેર કરી દીધું છે. અને કરોડો રૃપિયાના કામો ચાલે છે પણ લાંછન એ છે કે અહીના લોકોએ પાણીને ખરીદવુેું પડે છે માધવપુર વિધાનસભા બેઠકમાં કુતિયાણા સાથે છે અને લોકસભા બેઠકમાં પોરબંદર બેઠક સાથે છે. આજ સુધી કોઈ નેતાએ માધવપુરના બેઝિક સવાલને હાથમાં લીધો નથી. અહી ગ્રામપંચાયત પાણી આપે છે એ પીવા લાયક નથી. એ સાફ સફાઈમાં જ વાપરવુ પડે છે અને પીવાનું પાણી ખરીદવું પડે છે. લોકોએ દુધના બજેટની સાથે પાણીનું પણ અલગ માસિક બજેટ રાખવુ પડે છે.

આ ગામની સમસ્યા દુર કરવા માટે અહીથી આઠસો મીટર દુર આવેલા શરમા અથવા તો સામરડા ગામેથી નર્મદાના સમ્પથી પાઈપ લાઈન બીછાવી દેવામાં આવે તો સમસ્યા હલ થાય એમ છે. આ કામ ધાર્યુ હોત તો રાજય સરકારે કરી નાંખ્યું હોત સાંસદે ગ્રાન્ટ ફાળવી હોત પણ એમ થયું નથી.


Google NewsGoogle News