ચોરી થયેલી મોંઘીદાટ આઠ કાર સાથે શખ્સની ધરપકડ, બે ફરાર

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ચોરી થયેલી મોંઘીદાટ આઠ કાર સાથે શખ્સની ધરપકડ, બે ફરાર 1 - image


દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી ચોરા થયેલી કારની લે-વેચ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ઉઠાવી લીધો

૧.૨૧ કરોડની આઠ કાર, ૪૦ હજારનો એક મોબાઈલ ફોન કબજે કરાયો, પાંચ કારની ચોરી અંગે પૂછતાછ શરૂ

બોટાદ: દિલ્હીમાંથી મોંઘીદાટ કારની ચોરી કરતા બોટાદ તાલુકાના નાગલપર ગામના કારચોર શખ્સને બોટાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દબોચી લઈ આશરે સવા કરોડની કિંમતની આઠ કાર અને ૪૦ હજારનો એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો. જ્યારે અન્ય બે શખ્સ ફરાર હોય, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ કાર દિલ્હીમાં ચોરી થયાનું બહાર આવ્યું છે. જ્યારે બાકીની પાંચ કાર ક્યાંથી ચોરી થઈ છે તે બાબતની પૂછતાછ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના નાગલપર ગામે રામજી મંદિર પાસે રહેતો અને ખેતીકામના વ્યવસાય સાથે જોડાયેલો તુલસી ઉર્ફે હિતેશ કાનજીભાઈ ઠોળિયા (ઉ.વ.૩૫) નામનો શખ્સ ચોરી કરેલી મોટરકાર લે-વેચ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ અને પેરોલ ફર્લો સ્કવોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી તુલસી ઉર્ફે હિતેશ ઠોળિયાને ઉઠાવી લઈ પૂછતાછ કરતા આ શખ્સ પાસેથી નંબર પ્લેટ વિનાની આઠ મોંઘીદાટ કાર મળી આવી હતી. જેમાં કિયા, હ્યુન્ડાઈ ક્રેટા, ત્રણ ટોયેટો ફોરચ્યુનર, સુઝુકી એસ ક્રોસ, સુઝુકી બ્રેઝા અને બલેનો મળી કુલ રૂા.૧,૨૧,૦૦,૦૦૦નો સમાવેશ થાય છે. પોલીસે આ આઠેય કાર ઉપરાંત ૪૦ હજાર રૂપિયા કિંમતનો એક મોબાઈલ ફોન કબજે કરી શખ્સની પૂછતાછ કરતા અલગ-અલગ રાજ્યોમાંથી ચોરી થયેલા ફોરવ્હીલ વાહનો મેળવી તેને સસ્તા ભાવે વેચી મારતો હોવાની કબૂલાત આપી હતી. વધુમાં કિયા, ક્રેટા અને ફોરચ્યુનર કારની ચોરી દિલ્હીમાંથી થયાનું બહાર આવ્યું છે. જેમાં કિયા કારની ચોરી અંગે દિલ્હીના સરીતા વિહાર, સાઉથ-ઈસ્ટ, ઈ-પોલીસ મથકમાં ગત તા.૧૦-૨-૨૦૨૪નો ગુનો નોંધાયો હતો. ક્રેટા કારની ચોરી બાબતે ગત તા.૧૪-૧ના રોજ દિલ્હીના પટેનગર સેન્ટ્રલ ડિસ્ટ્રીક, ઈ-પોલીસ મથક અને ફોરચ્યુનર કાર સબંધે દિલ્હીના ગ્રેટર કૈલાસ, સાઉથ ડિસ્ટ્રીક, ઈ-પોલીસમાં ગત તા.૨૯-૨ના રોજ ગુનો નોંધાયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય પાંચ કારની ચોરી સબંધે હાલમાં તપાસ તજવીજ શરૂ હોવાનું પોલીસે જણાવ્યું છે.

વધુમાં પૂછતાછ દરમિયાન બ્રિજેશ ઉર્ફે બાલો વિનુભાઈ મોણપરા (રહે, સુરત) અને રમેશ ઉર્ફે રામો મેરાભાઈ હાડગરા (રહે, નાગલપર) નામના શખ્સોના નામ ખુલતા પોલીસે બન્નેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


Google NewsGoogle News