ભમ્મરિયા ગામે આધેડની હત્યામાં શખ્સની ધરપકડ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ભમ્મરિયા ગામે આધેડની હત્યામાં શખ્સની ધરપકડ 1 - image


- બાતમીદાર અને ટેકનિકલ સોર્સની મદદથી આણંદપુર બસ સ્ટેન્ડમાંથી દબોચી લીધો

- 12 દિવસ પૂર્વે ખેતમજૂરીના પૈસા મામલે લાકડીના ઘા ઝીંકી ખૂન કર્યું હતું

ગારિયાધાર : ગારિયાધાર તાલુકાના ભમ્મરિયા ગામે ૧૨ દિવસ પૂર્વે ખેતમજૂરીના પૈસા મામલે આધેડને લાકડીના ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યાની ઘટનામાં પોલીસે હત્યારા શખ્સને આણંદપુર બસ સ્ટેન્ડમાંથી દબોચી લીધો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગારિયાધારના ભમ્મરિયા ગામની સીમમાં નાગજીભાઈ ઓધાભાઈ નારોલાના ખેતરમાં ખેતમજૂરી કામ કરતા પુનાભાઈ છગનભાઈ ડામોર (ઉ.વ.૪૮, રહે, મુળ સડકી, તા.ઘોઘંબા, જિ.પંચમહાલ)ને ગત ૨૪-૧૦ના રોજ બપોરના સમયે બુધા  ઉર્ફે ભટ્ટો રતનભાઈ ડામોર (રહે, હાલ ભમ્મરિયા, મૂળ મંગળપુરા, તા.ઘોઘંબા, જિ.પંચમહાલ) નામના શખ્સે ખેતમજૂરીના પૈસા મામલે બોલાચાલી કરી માથાના ભાગે લાકડીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જે બનાવ અંગે મૃતકના પત્ની લક્ષ્મીબેનએ પતિના હત્યારા શખ્સ બુધા ઉર્ફે ભટ્ટો ડામોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ગારિયાધાર પોલીસે ૩૦૨, ૫૦૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ આર.એ. વાઢેરે હાથ ધરી હત્યારા શખ્સને ઝડપી લેવા તપાસનો ધમધમાટ આદર્યો હતો. દરમિયાનમાં નાસતા-ફરતા શખ્સની ધરપકડ કરવા અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી હોય, અંગત બાતમીદાર અને ટેકનિકલ સોર્સની મદદથી ગારિયાધાર પોલીસે આજે રવિવારે બુધા ઉર્ફે ભટ્ટો ડામોરની આણંદપુર બસ સ્ટેન્ડમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા શખ્સને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


Google NewsGoogle News