Get The App

સિહોરના રેલવે ફાટકથી લોકો ત્રસ્ત, ટ્રાફિકની સમસ્યા કાયમી

Updated: Sep 17th, 2022


Google News
Google News
સિહોરના રેલવે ફાટકથી લોકો ત્રસ્ત, ટ્રાફિકની સમસ્યા કાયમી 1 - image


- અમદાવાદ રોડ પર આવેલું રેલવે ફાટક બંધ થયા બાદ અડધો કલાકે પણ ખુલવાનું નામ નથી લેતું

- સોસાયટીઓ, સ્કૂલો અને જીઆઈડીસી આવેલી હોવાથી વાહનચાલકો ઉપરાંત નાગરિકોને પડતી હાડમારી, ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવા માંગણી

સિહોર : સિહોરના અમદાવાદ રોડ ઉપર આવેલું રેલવે ફાટર ટ્રાફિક સમસ્યાનું કાયમી કેન્દ્ર બની ચુક્યું છે. એક દિવસમાં ૧૦થી ૧૨ વખત રેલવે ફાટક બંધ થવાથી વાહનોની લાંબી-લાંબી કતારો લાગે છે. જેના કારણે વાહનચાલકો ઉપરાંત નાગરિકો ગળે આવી ગયા હોય, ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે ઓવરબ્રીજ બનાવવા પ્રબળ માંગણી ઉઠી છે.

ભાવનગર જિલ્લાનું રો-રોલીંગ મીલ અને અન્ય ઉદ્યોગ માટે ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસી રહેલા સિહોરમાં રેલવે ફાટક માથાના દુઃખાવા સમાન સમસ્યા બનતું જઈ રહ્યું છે. અમદાવાદ રોડ પર આવેલું રેલવે ફાટક માલગાડી કે પેસેન્જર ટ્રેન આવે ત્યારે એક વખત બંધ થયા બાદ અડધો કલાકે પણ ખુલવાનું નામ લેતું ન હોવાથી રોડની બન્ને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. જેના કારણે ૨૪ કલાક વાહનોથી ધમધમતા રોડ પર રેલવે ફાટકના કારણે ટ્રાફિકની સમસ્યા કાયમી બની ગઈ છે. આ રોડ પર અનેક સોસાયટી, સ્કૂલો અને બે જીઆડીસી આવેલી છે. આ ઉપરાંત વડિયા, ઉસવડ, નેસડા, ઘાંઘળી, પીપળિયા મંગલાણા સહિતના ગામો આવેલા હોવાથી નાગરિકોને હાડમારી વેઠવી પડે છે. અમદાવાદ આવતા-જતા માટે પણ વાહનોનો ખાસો ટ્રાફિક રહે છે. જેથી ઈંધણની સાથે લોકોના કિંમતી સમયનો વેડફાટ થાય છે. રેલવે ફાટક બંધ હોવાથી ઘણી વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ, ઈમરજન્સી વાહનો અડધી કલાક અટવાઈ રહે છે. આવા સંજોગોમાં લોકોને કાયમી મુશ્કેલીમાંથી મુક્તિ માટે અહીં ઓવરબ્રીજ અથવા અંડરબ્રીજ બનાવવા સિહોર શહેરની જનતાની માંગણી ઉઠી છે.

Tags :
People-affectedrailway-gate-of-Sihoretraffic-problem

Google News
Google News