Get The App

વિવિધ ક્ષેત્રના પેન્શનર્સને મહિને સાવ નજીવું પેન્શન, જીવનનિર્વાહ અશક્ય

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
વિવિધ ક્ષેત્રના પેન્શનર્સને મહિને સાવ નજીવું પેન્શન, જીવનનિર્વાહ અશક્ય 1 - image


- કર્મચારી પેન્શન યોજના (ઈપીએસ) 95 હેઠળ

- લઘુતમ પેન્શન રૂા. 7500 તથા ડી.એ.ની માગ સાથે 7 મીએ દિલ્હીમાં કાર્યક્રમ

ભાવનગર : કર્મચારી પેન્શન યોજના (ઈપીએસ) ૯૫ હેઠળ વિવિધ ક્ષેત્રના પેન્શનર્સને મહિને સાવ નજીવું પેન્શન મળી રહ્યું છે. વૃદ્ધ દંપતિ માટે આટલી નાની રકમથી સન્માનજનક જીવન જીવવું સંપૂર્ણપણે અશક્ય છે. તેથી લઘુતમ પેન્શન રૂા. 7500 તથા ડી.એ.ની માગ સાથે આગામી તા.  7 મી ડિસેમ્બરે દિલ્હીમાં કાર્યક્રમ યોજાશે.

ઈ.પી.એસ. ૯૫ પેન્શનર્સ મંડળના ભાવનગર યુનિટના કન્વીનર ખીમજીભાઈ યાદવ અને સહ કન્વીનર ઉકાભાઈ ચૌહાણે અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, કર્મચારી પેન્શન યોજના ૯૫ (ઈ.પી.એસ. ૯૫) હેઠળ ૭૫ લાખ પેન્શનર્સ છે. કેન્દ્ર-રાજ્ય સરકારના ઉપક્રમો, સહકારી ક્ષેત્ર, પરિવહન નિગમ, વીજળી બોર્ડ સહિતના ખાનગી ક્ષેત્રના પેન્શનર્સ કે જેમને પેન્શન પેટે રૂા. ૪૧૭, રૂા. ૫૪૧, રૂા. ૧૨૫૦ દર મહિને તેમના સમગ્ર સેવા સમયગાળા દરમિયાન તેમની સામાજિક સુરક્ષામાં યોગદાન તરીકે જમા કરવામાં આવે છે. તેમને કોઈપણ મોંઘવારી ભથ્થા વિના દર મહિને સરેરાશ માત્ર રૂા. ૧૧૭૦ પેન્શન મળે છે. વૃદ્ધ દંપતિ માટે આટલી નાની રકમથી સન્માનજનક જીવન જીવવું સંપૂર્ણપણે અશક્ય છે. 

આથી લઘુતમ પેન્શન રૂા. ૭૫૦૦ તથા ડી.એ. કરવા તથા તમામ પેન્શનધારકોને મફત તબીબી સુવિધાઓ આપવા માગ કરી છે અને આ માગણીને લઈ ઈપીએસ ૯૫ રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ, તમામ ઈપીએસ ૯૫ સભ્યો અને નેશનલ એજીટેશન કમિટીના પદાધિકારીઓની બેઠક તા.૨-૧૧ તથા તા.૨૨-૧૧ના રોજ ભાવનગરના સરદારબાગ ખાતે યોજાઈ હતી. દરમિયાનમાં, આ માગણીના સમર્થનમાં આગામી તા. ૭ ડિસેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અને સંસદ સુધી કૂચ કરવામાં આવશે. તેમ યાદીમાં વધુમાં જણાવાયું હતું.


Google NewsGoogle News