રાજુલાથી ચાંચ બંદર રૂટની બસ બંધ કરાતા 12 થી વધુ ગામના મુસાફરોને પડતી હાલાકી
- પંથકને સાંકળતી લોકલ બસની સંખ્યા વધારવામાં ઉદાસીનતા
- એસ.ટી.ના સત્તાધિશોની મનમાનીના કારણે મુસાફરોના કિંમતી સમયનો થતો વ્યય
રાજુલા એસ.ટી. ડેપોની રાજુલાથી ચાંચબંદર રૂટની બસ સવારે અને સાંજના સમયે ચાલુ હતી અને તેમાં ટ્રાફિક પણ ખુબ જ સારા પ્રમાણમાં થતો હતો જેથી આ બસનો લાભ સૌથી વધારે વિદ્યાર્થીઓ લેતા હોવા છતાં પણ કોઈ અકળ કારણોસર તંત્રવાહકો દ્વારા થોડા સમય ચલાવી બંધ કરી દેવામાં આવેલ છે. જેના લીધે સવારના સમયે ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત રાજુલા તાલુકા મથકે નોકરી, ધંધા અને રોજગાર માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. મુસાફરોને કલાકો સુધી ખોટીપો વેઠવાનો વખત આવે છે. આ રૂટ ઉપર એક્સપ્રેસ બસો તો ઘણી ચાલે છે. પરંતુ લોકલ બસો બહુ ઓછી ચાલતી હોવાથી સ્થાનિક લોકોને હાડમારીનો સામનો કરવો પડે છે તે માટે રાજુલા-ચાંચ બંદર રૂટ ઉપર ફરી આ બસ ચાલુ કરવામાં આવે તો લોકોને અને ખાસ કરીને શાળા તેમજ કોલેજના આશાસ્પદ વિદ્યાર્થીભાઈઓ તથા બહેનોને ખાસ ફાયદો થાય તેમ છે અને એસ.ટી, વિભાગને પણ સારા ટ્રાફિકને લીધે સારી આવક થાય તેમ હોય પુર્વ ધારાસભ્ય અંબરીષ ડેરએ આ બાબતે રાજુલાના ડેપો મેનેજરને પત્ર પાઠવી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.