શહેરની બે વેપારી પેઢીના પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ થયા, 45 હજાર દંડ ફટકારાયો
- શહેરમાં ફૂડ વિભાગની તપાસ યથાવત, ખાદપદાર્થના કુલ 60 નમૂના લેવાયા
- કોર્ટે એક પેઢીને રૂ. 25 હજાર અને બીજી પેઢીને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો, ફૂડ સેફટી વાને ખાદ્યપદાર્થના 115 નમૂના લીધા, લોકોને જાગૃત કરવા 11 કાર્યક્રમ યોજવામાં આવ્યા
મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના રૂવાપરી નજીક આવેલ રસીદભાઈ લાકડીયા નામના દુકાનદાર પાસેથી પનીરનો નમુનો અગાઉ લેવામાં આવેલ છે, જે સબસ્ટાન્ડર્ડ જાહેર થતા તેઓની સામે કેસ દાખલ કરવામાં આવતા નામ. કોર્ટ દ્વારા તેઓને રૂ. ૨૫ હજારનો દંડ કરવામાં આવેલ છે, જયારે કૈલાસ બેકરીનો પનીર લો ફેટનો અગાઉ લેવામાં આવેલ નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા નામ. કોર્ટ દ્વારા તેઓને રૂ. ર૦ હજારનો દંડ કરવામાં આવેલ છે. આમ કુલ રૂ. ૪પ હજારનો દંડ ફટકારવામાં આવતા ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે.
ઉપરાંત ભાવનગર મહાપાલિકાના કમિશનર તથા ગાંધીનગરની વડી કચેરીથી મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ હાલ નવરાત્રીના તહેવારો તેમજ ફુડ સેફટી પખવાડીયાના અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા દુધ, દુધની બનાવટ, મીઠાઈ, મીઠો માવો, તેલ વગેરેના કુલ ૬૦ નમુનાઓ લેવામાં આવેલ છે, જેમા દુધના-૭, દુધની બનાવટના-૫, તેલના-૧૪, મીઠો માવો અને બરફીના-૧૪, ટોસ્ટના-૬, કુકીઝના-૪ તથા અન્ય ખાધચીજના-૨૦ નમુનાઓ લેવામાં આવેલ છે, જે નમુનાઓ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા રજાના દિવસોમાં પણ ફુડ સેફટી અંગેની ઝુંબેશ શરૂ રાખવામાં આવેલ છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફુડ સેફટી વાન દ્વારા અવેરનેસના-૮, સ્કુલ અવેરનેસના -૩ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તથા ૧૧૫ નમુનાઓ લેવામાં આવેલ હતાં.