Get The App

સંતના સમર્થનમાં પાલિતાણા સ્વયંભૂ સજ્જડ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

- ધાર્મિકનગરીમાં ધર્મ માટે 13 દિવસથી આંદોલન, હિન્દુ-મુસ્લિમ સમાજ એક થયો

Updated: Sep 15th, 2022


Google News
Google News
સંતના સમર્થનમાં પાલિતાણા સ્વયંભૂ સજ્જડ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 1 - image

- શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રહ્યું, સમર્થન આપનાર એસોસિએશન અને સંસ્થાઓએ બંધને સફળ બનાવ્યું 

પાલિતાણા


જૈનોના પાવન તિર્થકર એવી ધાર્મિકનગરી પાલિતાણામાં શેત્રુંજી ડુંગર પર આવેલા મહાદેવજીની પૂજા-આરતીના મુદ્દે ચાલી રહેલા વિવાદના વિરોધમાં અને ઉપવાસ આંદોલન પર બેઠેલા સંતના સમર્થનમાં પાલિતાણાની જનતા જનાર્દને સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ સમાજના નાના-મોટા એસોસિએશનો, વિવિધ ધાર્મિક-સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ એકતા દર્શાવી સ્વયંભૂ જ વેપાર-ધંધા અને શિક્ષણકાર્ય બંધ રાખી બંધના એલાનને સફળ બનાવ્યું હતું.

પાલિતાણાના શેત્રુંજી પર્વત ઉપર ગઢ વિસ્તારમાં આવેલા નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજા-પાઠ અને આરતી સહિતના મુદ્દે સ્વામી શરણાનંદજી અને શિવભક્તો દ્વારા છેલ્લા ૧૩ દિવસથી અન્નનો ત્યાગ કરી અનશન કરવામાં આવી રહ્યા છે. દરમિયાનમાં ગઈકાલે સાધુ-સંતો, મુસ્લિમ સમાજના આગેવાનો, હિન્દુ સમાજની વિવિધ સંસ્થા-એસોસિએશન દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત લઈ તા.૧૫-૯ને ગુરૂવારે સંતના સમર્થનમાં પાલિતાણા બંધનું એલાન અપાયું હતું. ધાર્મિકનગરીમાં ધર્મ માટે ચાલી રહેલા આંદોલનને ૧૮ જેટલા એસોસિએશન, શાળાઓ વગેરેએ ટેકો જાહેર કર્યો હતો. જેના અનુસંધાને આજે ગુરૂવારે પાલિતાણાની બજારમાં સવારથી જ વેપારીઓ કામ-ધંધા બંધ રાખી સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. વેપાર-ધંધા ઉપરાંત શાળા-કોલેજોમાં પણ બંધના સમર્થનમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. જો પ્રશાસન અને પેઢી દ્વારા ન્યાય નહીં આપવામાં આવે તો આવતીકાલથી અખાડાના સાધુ-સંતો અને હિન્દુ સમાજના લોકો, શિવભક્તો વધુ આક્રમક કાર્યક્રમ આપશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 

વધુમાં વિવિધ સમાજ, આગેવાનો અને સંગઠનો દ્વારા પાલિતાણાના મદદનીશ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હિન્દુ સનાતન ધર્મની યોગ્ય માંગણીનો સકારાત્મક ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, પાલિતાણામાં સવારથી લઈ રાત સુધી વેપારીઓએ દુકાનો, કામ-ધંધા, વ્યવસાયને જડબેસલાક બંધ રાખ્યા હતા. એકલ-દોકલ શાળાઓને બાદ કરતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધમાં જોડાઈ હતી.

Tags :
PalitanaPalitana-Bandh

Google News
Google News