પોરબંદર પંથકમાંથી પકડાયેલા ડ્રગના જથ્થા પર પાકિસ્તાનની મીલના લેબલ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
પોરબંદર પંથકમાંથી પકડાયેલા ડ્રગના જથ્થા પર પાકિસ્તાનની મીલના લેબલ 1 - image


લાખો રૂપિયાના નશીલા પદાર્થની હેરાફેરીમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે

હશીશના જથ્થા સાથે પકડાયેલા ચાર શખ્સોને પોલીસે રીમાન્ડ પર લીધા, મજૂર જેવા લાગતા શખ્સો પાસેથી લાખોનું ડ્રગ ખરીદનાર કોણ? તે અંગે હાથ ધરાતી તપાસ

પોરબંદર: પોરબંદરના માધવપુર નજીકની દરિયાઈપટ્ટી પરના મોચા ગામેથી ચાર શખ્સને ૧૧ લાખથી વધુના ડ્રગ્સ સાથે પકડી લીધા બાદ આ જથ્થો દરિયામાં તણાઈને આવ્યાની કબુલાત થઈ છે અને પકડાયેલા શખ્સો તેનું છૂટક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે. ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે મજૂર જેવા આ શખ્સો પાસેથી લાખો રૂપિયાનો માલ ખરીદનાર કોણ છે? તે મહત્વનો પ્રશ્ન રીમાન્ડ દરમિયાન બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે. ત્યારે આ ચારેય આરોપીઓને તા. ૨૬ સુધી ચાર દિવસના રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે.

મોચા ગામના બસ સ્ટેશન પાસે રહેતા અરજનનાથ સતનાથ નામના શખ્સ પાસેથી હશીસનો નશીલો પાર્થ મળી આવ્યા બાદ રેકેટ ખુલ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ ચારેયની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મળેલા માલ પર પાકિસ્તાનની હબીબ સુગર મીલના લેબલ લગાડવામાં આવેલા છે. આથી ઓગસ્ટ ૨૦૨૨માં આવેલ આ જથ્થામાંથી કેટલો માલ આ ચાર શખ્સોએ કોને વહંેચ્યો. તે અંગેની માહિતી બહાર લાવવા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમને ચાર દિવસના રીમાન્ડ ઉપર લેવાયા છે.

મોચા ગામે બસ સ્ટેશન પાસે રહેતા અરજનનાથ હેમનાથ સતનાથ નામના ૪૫ વર્ષના યુવાન પાસે નશીલો પદાર્થ છે. આથી પોલીસ દ્વારા દરોડો પાડીને તેની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. અરજનનાથ દ્વારા એવું જણાવ્યું હતું કે, તેણે વાડીમાં આ નશીલો પદાર્થ ઘટયો છે. આથી પોલીસ તાત્કાલિક તેને પકડીને ચોક્કસ જગ્યાએ લઈ ગઈ હતી અને ત્યાં તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી એક કિલો ૩૩૫ ગ્રામ વજન ધરાવતું એટલે કે બે લાખ અને ૨૫૦ રૂપિયાનું મારી ઝૂઆના હશિસ મળી આવ્યું હતું. આથી તેની આકરી પૂછપરછ કરવામાં આવતા આ નશીલા પદાર્થોનો જથ્થો તેને મોચા ગામે વણકરવાસમાં રહેતા ભરત માધા ચાવડા નામના શખ્સ પૂરો પાડયો હોવાની કબુલાત કરતા પોલીસે તેને પણ ઉઠાવી લીધો હતો અને તેની પણ આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેથી પોલીસે વધુ માહિતી ઓકાવતા મોચા ગામના વણકરવાસમાં રહેતા પ્રફુલ્લ ઉર્ફે બબલુ હાજા ચાવડા પાસેથી અને તેણે માલદે મુરૂ ચાવડા પાસેથી આ નશીલો પદાર્થ લીધો હોવાની કબુલાત કરતા પોલીસે એ બંને શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેઓએ દરિયા કિનારે બાવળની ઝાળીઓમાં વધુ માત્રામાં નશીલો પદાર્થ દાટયો હોવાની કબુલાત કરી હતી. તેથી પોલીસે ૧૧ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી માટે રીમાન્ડ પર લેવાયા છે.

સ્નીફર ડોગ દ્વારા વારંવાર તપાસ થતી હોવા છતાં ડ્રગ પકડાયા કેમ નહીં?

પોરબંદરમાં પોલીસ તંત્ર દ્વારા દરિયાઈપટ્ટી ઉપરના જુદા-જુદા લેન્ડિંગ પોઇન્ટ અને દરિયા કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરવાની પણ તપાસ માટે બોલાવવામાં આવે છે અને તેને ચારે બાજુ દોડાવીને ફોટોસેશન કરાવવામાં આવે છે. પરંતુ આવા ફોટોસેશન માત્ર કાગળની કાર્યવાહી પૂરતા જ સીમિત રહી ગયા હોય તેવું એટલા માટે જણાઈ રહ્યું છે કે નશીલો પદાર્થ દરિયાઈપટ્ટી ઉપર પેકેટ તણાઈ આવ્યા બાદ વહેંંચાઈ ગયો. ત્યાં સુધી પોરબંદરની પોલીસ ઊંઘતી રહી તો તે તંત્ર માટે પણ ઢીલી નીતિ અથવા તો બેદરકારીરૂપ જણાઈ રહ્યું છે અને તે અંગે ગૃહ વિભાગે પણ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવી જરૂરી બની છે.

ડ્રગ્સ એક વર્ષ પછી વેચવા કાઢયંુ એ બાબત પોલીસને ગળે ઉતરી જશે?!

અરબી સમુદ્રમાં ઓગસ્ટ-૨૦૨૨માં રાજ્યના જુદા જુદા દરિયા કિનારે પાકિસ્તાની ડ્રગ્સના પેકેટ તણાઇને આવતા હતા. જેમાં પોરબંદરના મોચા ગામેથી પકડાયેલા શખ્શોએ એવી કબુલાત આપી છે કે ઓગસ્ટ-૨૦૨૨માં આ ડ્રગ્સ તેમના હાથ લાગ્યું હતું અને એક વર્ષ સુધી છુપાવી દીધા બાદ તાજેતરમાં જ તેને વેચવાની શરૂઆત કરી હતી. આ બાબત સુરક્ષા એજન્સીની કામગીરી અંગે સવાલો ઉભા થયા છે. 


Google NewsGoogle News