પદ્મિનીબા વાળાએ પુત્ર સાથે મળી પતિ પર પાઇપ વડે હુમલો કર્યો
ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા અને સતત વિવાદોમાં રહેતા
માથાકૂટનો વીડિયો પણ વાયરલ : પદ્મિનીબાના પતિ સામે ચોંકાવનારા આક્ષેપો
રાજકોટ: રાજકોટના સાંસદ બની ગયેલા પરસોતમ રૂપાલા વિરૂધ્ધ ક્ષત્રિય સમાજે જે તે વખતે શરૂ કરેલા આંદોલનને કારણે ચર્ચામાં આવેલા અને સતત ચર્ચા અને વિવાદોમાં રહેતા મહિલા અગ્રણી પદ્મીનીબા વાળાએ ગઇકાલે રાત્રે પુત્ર સાથે મળી પતિ પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જો કે પતિએ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરી દીધો હતો. આજે આ માથાકૂટનો વીડિયો પણ વાયરલ થયો હતો.
રેલનગર રામેશ્વર પાર્ક-૫માં રહેતા ગિરીરાજસિંહ અનિરૂધ્ધસિંહ વાળા (ઉ.વ.૪૭) રાત્રે એકાદ વાગ્યે ૧૦૮માં સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પૂછપરછમાં તેણે પત્ની પદ્મીનીબા વાળા અને પુત્ર સત્યજીતસિંહે પાઇપ વડે હુમલો કર્યાનું જણાવ્યું હતું. જે મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં કરાવી હતી.
જેથી પ્ર.નગરના એએસઆઈ ફરિયાદ લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ ગીરીરાજસિંહે ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો. તેણે પોલીસને કહ્યું કે આ અમારા ફેમિલીનો મામલો છે, વડીલોની સલાહ લઇ ફરિયાદ કરવી કે નહીં તે બાબતે વિચારીશ.
પરિણામે પોલીસ ફરિયાદ લીધા વગર પરત ફરી હતી. બીજી તરફ બંને પક્ષો વચ્ચે માથાકૂટનો વીડિયો પણ આજે વાયરલ થયો હતો. જેમાં એકબીજા વિરૂધ્ધ બોલવામાં મર્યાદા ચૂક્યાનું જણાય છે. વીડિયોમાં બોલાયેલા અમુક શબ્દોને કારણે ત્યાં બીપ...બીપ...નું સાઉન્ડ મૂકવું પડયું હતું.
આ વીડિયો વાયરલ થયા બાદ પદ્મીનીબાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એવું કહ્યું કે છેલ્લા ૨૦ વર્ષથી પતિનો ત્રાસ હતો, પણ અત્યાર સુધી બધું ઘરની અંદર થતું હતું,મેં પતિને પૂછ્યા વગર આજ સુધી ઘરનો ઉંબરો ઓળંગ્યો નથી, પરંતુ કોઇ મહિલાનો પતિ જો ચાર અને છ-છ મહિના સુધી ઘરની બહાર રહે તો તેને સમાજ કે બીજું કોઇ દાણા આપવા આવતું નથી, હું મારી રીતે આગળ વધું છું તો તેમને અને બીજા ઘણા બધાને ગમતું નથી.
ગઇકાલે પણ મોટી વાત ન હતી. મને અને મારા મોટા પુત્રને પતિએ મારવાની કોશિષ કરી હતી. મારો પુત્ર બચાવમાં હતો. પુત્રએ હુમલો કર્યો નથી. જ્યારે કોઇ રીતે પહોંચી ન શકાય ત્યારે સ્ત્રી સામે અપશબ્દો અને ચારિત્ર્યના આક્ષેપોનો સહારો લેવાય છે.
વધુમાં તેમણે પતિ ચીટીંગનું કામ કરતા હોવાનો પણ આક્ષેપ કરી કહ્યુ કે ઘરમાં હંમેશા દેણાવાળા ઉભા હોય છે. અગાઉ ૭૦થી ૮૦ લાખનું દેણુ કરી નાખ્યું હતું. તે વખતે જમીન અને દાગીના વેચીને દેણુ ચૂકતે કર્યું હતું. આમ છતાં કોઇ કદર કરી નથી. અત્યાર સુધી પત્ની તરીકે ફરજ નિભાવી લીધી છે પરંતુ હવે બાળકો માટે જિંદગી જીવીશ. મારા પતિ ચાર-છ મહિને ઘરે આવે છે અને જાય તે સાથે જ તેનો ફોન સ્વીચ ઓફ થઇ જાય છે. પતિ સામે ફરિયાદ કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.