મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં 105થી વધુનાં મોત
- ૧૯૭૯માં મચ્છુ ડેમ હોનારત બાદ મચ્છુ નદી મરણોન્મુખ ચીસોથી દ્રવી ઉઠી
- પુલ તૂટી પડયા બાદ લોકો કલાકો સુધી દોરડાં પર લટકતાં રહ્યા
- પુલ પર ૫૦૦થી વધુ મુલાકાતી હતા : દુર્ઘટના સર્જાતા લોકો પાણીમાં કાળમીંઢ પથ્થરો ઉપર પટકાયા
- ઉદ્ઘાટનની ઉતાવળમાં ફિટનેસ સર્ટિ વગર જ પુલ ખૂલ્લો મૂકાયાના પાંચમાં જ દિવસે કરુણાંતિકા
- સાત માસથી બંધ ઝુલતા પુલનું તંત્રએ રૂ.બે કરોડથી વધુના ખર્ચે સમારકામ કરાવ્યું હતું
રાજકોટ,તા.૩૦
મોરબીમાં ઈ.સ.૧૯૭૯ની મચ્છુ હોનારતની યાદ અપાવતી આજે ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧૦૫થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન્હોતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતાવર્ષ ખોલવામાં આવ્યો હતો ત્યારે આજે રવિવારની રજાના કારણે સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.
ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે આ ઝૂલતો પુલ રિપેર થયા પછી સરકાર અને સુધરાઈમાં પ્રજાની અનેક સંપતિની જેમ આ પુલ ખાનગી કંપનીને આપેલો હોય કંપનીએ તંત્રને જાણ કર્યા વગર પોતે જ ખુલ્લો મુકી દીધો હતો અને હવે તપાસનો દોર ચાલશે. આમ આ ઘટનામાં પ્રથમ નજરે બેદરકારી બહાર આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈ.સ.૧૮૭૯માં મોરબીના રાજવીએ યુરોપની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આ ઝુલતાપુલનું નિર્માણ કર્યું હતું. બન્ને બાજુ કોંક્રિટ સાથે જોડેલા લોખંડના જાડા તારના આધારે ૧૪૩ વર્ષથી આ પુલ ટક્યો હતો. હાલ તેનું સંચાલન નગરપાલિકા હસ્તક હતું પરંતુ, નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ।.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે. ૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
પાણી તો માંડ પાંચ-છ ફૂટ ઊંડું હતું પણ ૩૦ ફૂટની ઊંચાઈથી પથ્થર પર પટકાતા જાનહાની વધવા ભીતિ
મોરબીના ઝૂલતા પુલની દૂર્ઘટનામાં મૃતકાંક વધવા માટે ઊંચાઈ કારણભૂત બની હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે.
સ્થાનિક જાણકારોના કહેવા મુજબ, આ વર્ષો સારો વરસાદ થયો હોવાથી મચ્છુ નદીમાં પાણી વહી રહ્યાં હતાં. નદીમાં પાણીની ઊંડાઈ ચારથી પાંચ ફૂટ જ હતી. પરંતુ, પુલની ઊંચાઈ અંદાજે ૩૦ ફૂટ જેટલી હતી અને નદીનું તળ પથરાળ છે.
પથરાળ તળમાં ઈજા થવાથી કે હેબતાઈ જવાથી અનેક લોકો ભોગ બન્યાં છે. પુલ વચ્ચેથી તૂટયો પુલની મધ્યમાં જે લોકો હતા તેવી વ્યક્તિઓએ થોડું વધુ ઊંડું એટલે કે છ ફૂટ જેટલું પાણી હોવાથી જીવ ગુમાવ્યાની કે ગંભીર ઈજા પામ્યાની સંભાવના વધુ છે.
જીંદાલ કંપની પાસેથી મટિરિયલ મગાવી કરાયું હતું રીપેરીંગ
૧૫ વર્ષનાં મેન્ટેનન્સ-રિપેરીંગની સાથેની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપાઈ'તી
ટ્રસ્ના મેનેજિંગ ડાયરેકટર જયસુખ પટેલનો ફોન ન રિપ્લાય, કોન્ટ્રાકટરની બેદરકારી જવાબદાર હોવાનો તજજ્ઞાોનો મત
મોરબીના જુલતા પુલની જવાબદારી સંભાળતા ઓરેવા ટ્રસ્ટના મેનેજિંગ ડિરેકટર જયસુખ પટેલ આ આજની દુર્ઘટના બાદ જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેમ તેઓનો ટેલીફોનીક સંપર્ક કરવાનું મુશ્કેલ બની ગયું હતું. આ ઘટનામાં જુલતાપુલનાં રિનોવેશનમાં ક્યાં ખામી રહી ગઈ છે તેની વિગતો પણ બહાર આવી નહોતી અલબત કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે જુલતોપુલ તુટી પડયો હોવાનો મત તજજ્ઞાોદ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવ્યો છે અને આ પુલ જર્જરીત હતો. માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હોવાની જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે તાજેતરમાં ઝુલતો પુલ ખુલો મુકવા સમયે જણાવ્યું હતું કે ઝુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે થઈને જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને તેને અનુરૂપ મટીરીયલ્સ મંગાવીને નિષ્ણાંત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે. આગામી ૧૫ વર્ષ સુધી મેન્ટેનન્સ અને રિપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઝુલતો પુલ આગામી સમયમાં રાત્રિના સમયે પણ ખુલ્લો રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
અલબત્ત મોરબીનો ઝુલતો પુલ તૂટી પડયા બાદ ઓરેવા ગુ્રપના એમ.ડી. જયસુખ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતા તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હોય તેમ ફોન સતત નો રિપ્લાય આવતો રહ્યો હતો. તેમના અંગત મદદનીશ એવા દિપકભાઈ પારેખના મોબાઈલ ઉપર સંપર્ક નહીં તથા મોરબીનાં ઝુલતા પુલના મજબુતીકરણ પાછળ ક્યા પ્રકારની ખામી રહી ગઈ તે વિગતો બહાર આવી નહતી. અલબત્ત ઝુલતા પુલ વિશે તજજ્ઞાોએ જણાવ્યું હતું કે પુલની મજબુતીકરણ પાછળની બેદરકારી જ આ ઘટનામાં સૌથી વધુ જવાબદાર હોવાની સંભાવના છે. અલબત્ત રાજ્ય સરકાર દ્વારા આ ઘટના બાદ તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી છે તેવી સત્તાવાર વિગતો તપાસ બાદ જાહેર થશે.
બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો
મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.
સર્ચ - રેસ્ક્યુ માટે અપીલ થતાં સેવાભાવીઓ ઉમટયા
'તરતા આવડતું હોય એવા લોકો ઝુલતા પુલે પહોંચો'
મોરબીમાં ગોજારી મચ્છુ જળ હોનારત જોઈ નહોતી એવા સેંકડો લોકો આજે ઝુલતા પુલની દુર્ઘટના જોઈએ ફફડી ઉઠયા હતા. જો કે ઝુલતો પુલ તૂટયાની ખબર પડતાં જ મોટી સંખ્યામાં સેવાભાવી યુવકો મદદ માટે પહોંચી ગયા હતા. મોરબીમાં આજે સાંજે ૬ વાગ્યાની આસપાસ ઝુલતો પુલ તૂટયાની દુર્ઘટના સર્જાતા જ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા. જે સાથે જ રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ 'જેમને તરતા આવડતું હોય એવા લોકો તાત્કાલિક ઝુલતા પુલે પહોંચો, જેથી લોકોની જિંદગી બચાવી શકાય..' એવી અપીલ ચાલુ થઈ હતી. પરિણામે ગણતરીની મિનિટોમાં જ ઝુલતા પુલે ૧૦૦થી વધુ સેવાભાવી યુવાનો પહોંચી ગયા હતા અને સુર્યાસ્ત થઈ ગયો હોવાથી અંધકાર વચ્ચે મચ્છુ નદીનાં ઠંડા પાણીમાં ઝંપલાવીને સર્ચ - રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. જેમાં તૂટેલા પુલના સહારે લટકતા અને પાણીમાં ખાબકેલા અનેક લોકોને બચાવીને સારવાર માટે ખસેડાયા હતા.
મોરબીમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોરે કરાવ્યું હતું નિર્માણ
વર્ષ-૧૮૭૯માં લાકડા અને વાયરના આધારે બન્યો'તો ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ
ઝુલતા પુલનો ઉપયોગ રાજાશાહીનાં સમયમાં રાજવી પરિવાર દ્વારા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા
મયુરનગરી તરીકે જાણીતા મોરબી શહેરની મચ્છુ નદી ઉપર ૧૪૩ વર્ષ પહેલા એટલે કે વર્ષ-૧૮૭૯માં રાજાશાહીનાં સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરનાં આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા.
ઈતિહાસ પર નજર કરીએ તો મોરબીમાં ૨૦મી ફેબુ્રઆરી, ૧૮૭૯ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલનાં હસ્તે ઝુલતા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે ૩.૫ લાખના ખર્ચે ઇ.સ.૧૮૮૦માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ ૧૪૩ વર્ષ જૂનો છે અને તેની લંબાઈ આશરે ૭૬૫ ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે. કારણ કે, ભારતમાં માત્ર બે ઝૂલતા પુલ છે. જેમાંનો એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ છે.
સરકારી તંત્ર કહે છે કે, ઝૂલતો પૂલ એ ૨૧મી સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી. મોરર્બીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે ૧.૨૫ મીટર પહોળો અને ૨૩૩ મીટર લાંબો ઝૂલતો પૂલ મચ્છુ નદી પર બનાવ્યો હતો, જે દરબારગઢ પેલેસ અને લખધીરજી એન્જિનિયરિંગ કોલેજને જોડતો હતો.
આઝાદી બાદ રજવાડાઓનું વિલિનિકરણ થયા પછી ઐતિહાસિક ઝૂલતો પુલ સરકાર હસ્તક આવ્યો હતો. સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપવામાં આવી હતી. બાદમાં છેલ્લા ઘણા વર્ષોથી પુલની સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની ઓરેવા ટ્રસ્ટને જવાબદારી સોપવામાં આવી હતી.
આ પુલ સાવ જર્જરીત હોવાથી જોખમી બની જતાં છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ જતાં હમણાં પાંચ દિવસ પહેલા જ બેસતાવર્ષનાં દિવસથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે આજે સાંજે ધરાશાયી થઈ ગયો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારને સહાય જાહેર કરી
મોરબી દુર્ઘટનામાં મૃતકોને રૂા.૬ લાખ, ઘાયલને ૧ લાખની સહાય
વડાપ્રધાન મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી
મોરબીમાં ઝુલતા પુલ ૪૦૦થી વધુ લોકો હાજર હતા જયારે પુલ તૂટયો ત્યારે ૧૦૦થી વધુ લોકો મચ્છુ નદીમાં પડયા હતાં.આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી હતી.
આ કરુણ દુર્ઘટના સર્જાતા ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોરબીની મુલાકાત લે તેવી શક્યતા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે વડાપ્રધાન રાહતફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂા.૨ લાખ અને ઘાયલોને રૂા.૫૦ હજાર આપવા જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે પણ મૃતકોના પરિજનોને રૂા.૪ લાખ અને ઘાયલોને રૂા.૫૦ હજાર આપવા એલાન કર્યુ હતું.
દરમિયાનમાં મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં ૩૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યુ હતું.
તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને રેસ્કયુ ઓપરેશન ઝડપી રીતે થાય અને ઘાયલોને હોસ્પિટલમાં તાકીદે સારવાર મળી તે માટે સૂચના આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કર્યું કે, મોરબી દુર્ઘટનાથી અત્યંત દુખી છુ. સ્થાનિક તંત્ર રાહત કાર્યમાં લાગી પડયુ છે. એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોચી રહી છે.
રાહુલ ગાંધીએ પણ આ ઘટનાને લઇને સંવેદના વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુંકે, મોરબી પુલ દુર્ઘટના ખુબ જ દુખદ છે. આ મુશ્કેલ ઘડીમાં બધા શોકતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છુ. બધા કોંગ્રેસી કાર્યકરોને અપીલ કરૂ છુકે, તેઓ દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિઓની હરસંભવ મદદ કરે અને લાપલા લોકોની શોેધખોળમાં મદદરુપ થાય.
૧૯૭૯માં મચ્છુ-૨ ડેમ તૂટયો હવે મચ્છુ નદી પરનો પૂલ ધરાશાયીઃ બન્ને જીવલેણ માનવીય બેદરકારી
૧૯૭૯ની મચ્છુ હોનારત પછી ફરી એક વખત મોરબી અને મચ્છુ નદીને સાંકળતી માનવીય હોનારત સર્જાઈ છે.
વર્ષ ૧૯૭૯ ૧૧ ઓગષ્ટે ચોમાસાના સતત ભારે દરમિયાન મચ્છુ-૨ ડેમ તૂટતાં મોરબીના ઘણાંખરાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. દિવસો સુધી પાણી અને કાદવ વચ્ચે હજારો લોકોના મૃત્યુ નિપજ્યા હતાં. અતિ વરસાદ અને પૂરથી ચાર કિ.મી. લાંબા મચ્છુ-૨ ડેમની દિવાલોમાં ગાબડાં પડયા હતા. ત્રણ ગણું પાણી જેમાં આવ્યું હતું તેવા મચ્છુ-૨ ડેમની દિવાલો, પાળાં જોખમી હોવાની વાતોને ધ્યાન પર ન લેવાઈ અને ભયાનક માનવીય દૂર્ઘટના સર્જાઈ હતી. આ વખતે પણ મોરબીની શાન ગણાતાં ઝૂલતા પુલને સમારકામ પછી દિવાળીના તહેવારોમાં ખુલ્લો મુકાયો અને ટિકિટથી એન્ટ્રી હતા. આમ છતાં, સહેલાણીઓની અવરજવર સીમિત સંખ્યામાં રહે તેના પર ધ્યાન અપાયું નહોતું. મચ્છુ-૨ ડેમ હોનારતની સરખામણીએ ઝૂલતા પુલની હોનારતનો મૃતકાંક ઓછો છે. પણ, બન્ને કિસ્સામાં માનવીય બેદરકારી ભયાનક અને જીવલેણ રહી છે.
દુર્ઘટના કેમ બની ? યુવકો બ્રીજ ઉપર મસ્તી કરી પૂલ ઝૂલાવવા પ્રયાસ કરતા હતા... ઝૂલતો પુલ તુટયાની થોડી મિનિટ પહેલાનો વિડીયો વાયરલ
સાત મહિના સુધી બંધ રાખીને સમારકામ કરવામાં આવ્યું હતું તો પણ મોરબીનો ઝૂલતો પુલ શા માટે તૂટયો? આવો સવાલ સ્વાભાવિક રીતે જ સહુ કોઈના મનમાં આવે છે. દૂર્ઘટના બની તેની થોડી જ મિનિટોમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં થતી હરકતો દૂર્ઘટનાના મૂળમાં હોવાની સંભાવના સેવાઈ રહી છે. વિડીયોમાં યુવાનો ઝુલતા બ્રીજ પર ધમાલ-મસ્તી કરે છે અને બ્રીજના રોપ પકડીને બ્રીજને હલાવવા માટે તાકાત લગાવે છે. ક્ષણભરના આનંદ માટે કરવામાં આવતી આ કરતૂતોથી ઝુલતો બ્રીજ તેના મુળ સ્થિતિ કરતા વધારે ઝડપથી હલે છે. આ સમયે બ્રીજની બંને તરફ હલનચલન વધી હતી અને લોકોની ભીડ વધુ હતી. એવું મનાઈ રહ્યું છે કે, ઝૂલતા પૂલનું સમારકામ કરવામાં આવ્યું તેમાં તેના ફ્લોરિંગના રિપેરીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. બ્રીજના રોપનું રિપેરીંગ થયું હશે પણ બ્રીજની મધ્યમાં જ નબળા રોપ બ્રીજ તૂટવાનું કારણ બન્યાં હોઈ શકે છે. એમાં પણ દિવાળીના વેકેશનમાં ભારે ભીડ જામી હતી. ત્રણ જ દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝૂલતા પૂલની મુલાકાત લીધી હતી. સ્વાભાવિક રીતે આનંદ મેળવવા માટે ઝૂલતા પૂલને ઝૂલાવવાની ચેષ્ટા વારંવાર થતી રહી હશે. આ ચેષ્ટાના કારણે ઝૂલતા પૂલના રોપ ત્રણ દિવસ દરમિયાન એ હદે નબળા બની ગયાં હશે કે બ્રીજ તૂટી પડે. એમાં પણ દિવાળીની રજાઓ પૂર્ણ થવાના છેલ્લા દિવસે બેકાબૂ ભીડ હતી અને રોપ તૂટી પડતાં આખરે નદીના મધ્યભાગમાંથી જ ઝૂલતો પૂલ ધરાશાયી થઈ ગયો. ઝૂલતો પૂલ તૂટી પડયો તેની થોડી મિનિટો પહેલાં જ લેવાયેલો વીડિયો દૂર્ઘટના કઈ રીતે બની હશે? તેની પૂર્વધારણા લગાવવા માટે પૂરતો છે. જો એમ જ થયું હોય તો થોડી મિનિટોની મસ્તી અનેક લોકો માટે મોતનું કારણ બની છે.