ભાવનગર શહેર અને જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ભાવનગર શહેર અને જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 1 - image


- જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે

- સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે

ભાવનગર : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા ભાવનગરમાં કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનીયર અને જુનિયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં આગામી તા.૨૨ જુનના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

આ લોક અદાલતમાં ભાવનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકને લગતા ઈ-મેમોને લગતા કેસોનો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ આ લોકઅદાલત યોજાય તે પહેલા પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ સાથે લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ.નેગોશીએબલ એકટ (ચેક રીર્ટન), બેન્ક, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક, રેવન્યુ, જમીન સંપાદનના વળતર, લેબર કોર્ટના કેસ વગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે. તેમજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુન્હાની વિગત દર્શાવતી અરજી લગતે પોલીસની કાર્યવાહીથી તેમની ફ્રીઝ થયેલી રકમ પરત મેળવવાની અરજીઓ અંગે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે જે તે અદાલતો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય,ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.


Google NewsGoogle News