Get The App

બરવાળામાં ઓપરેશન ડીમોલેશન, કોર્ટ સામેની 48 દુકાનનો સફાયો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
બરવાળામાં ઓપરેશન ડીમોલેશન, કોર્ટ સામેની 48 દુકાનનો સફાયો 1 - image


- 3 થી 4 વખત નોટિસ ફટકારી છતાં દબાણકર્તાઓએ ન ગણકારી

- પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી મામલતદારની ટીમે બુલડોઝર ફેરવી દીધું : લોકોના ટોળા એકઠા થયા

બરવાળા : બરવાળા શહેરમાં કોર્ટની સામે ખડકાયેલા પાકા બાંધકામોના દબાણોનો સફાયો બોલાવવા મામલતદાર દ્વારા ઓપરેશન ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને પાવર કાપવા પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી ન.પા. તંત્રે ૪૮ દુકાન ઉપર બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

બરવાળા શહેરના નાવડા રોડ પર આવેલી ફૌજદારી અને દિવાની કોર્ટ સામે સરકારી જગ્યા પર ૪૮ જેટલી પાકી દુકાનના દબાણ ખડકી દેવામાં આવ્યા હતા. આ સરકારી જગ્યા ખુલ્લી કરવા નગરપાલિકા દ્વારા અગાઉ ત્રણથી ચાર વખત નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં દબાણકર્તાઓએ નોટિસને પણ ન ગણકારતા આખરે આજે મંગળવારે બરવાળા મામલતદાર સી.આર. પ્રજાપતિ અને તેમની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને દુકાનોના વીજ કનેક્શન કાપવા માટે પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી ઓપરેશન ડીમોલેશન હાથ ધર્યું હતું. જેમાં ગેરકાયદે ખડકાયેલી ૪૮ દુકાન ઉપર જેસીબી ફેરવી દબાણો હટાવી સરકારી જમીન ખુલ્લવ્યા હતા. મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી દરમિયાન લોકોના ટોળા એકઠા થયા હતા. પ્રથમ વખત મોટા પ્રમાણમાં થયેલી દબાણ હટાવની કામગીરીને લઈ અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ભાવનગર હાઈવે પર દબાણ હટાવ કામગીરી કરવા તૈયારી

બરવાળા શહેરમાં નાવડા રોડ પર એક સાથે ૪૮ દુકાનના દબાણો હટાવ્યા બાદ હવે બરવાળા-ભાવનગર હાઈવે પરની બન્ને બાજુમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આગામી થોડા દિવસોમાં કરવા તૈયારીઓ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ ઘણાં મોટા માથાઓ પોતાના દબાણો દૂર ન થાય તે માટે રાજકીય ભલામણો કરવા લાગ્યા હોવાનું ચર્ચાતું સાંભળવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારી જમીન ઉપર રાજકીય લોકોના જ દબાણો હટાવવામાં આવશે કે પછી પહેલાની જેમ તલવાર મ્યાન થઈ જશે ? તેવા સવાલો ઉઠયા છે.


Google NewsGoogle News