પોરબંદરથી રાજકોટ જતી 33માંથી વાયા જેતલસર માત્ર ત્રણ જ ટ્રેન!
- રેલવે તંત્ર દ્વારા રાજકોટ જિલ્લા સાથે અન્યાય
- 90 કરોડના ખર્ચે બનેલી 90 કિલોમીટરની રાજકોટ-જેતલસર-પોરબંદર બ્રોડગેજ લાઇનમાં એક પણ લોકલ ટ્રેન નહીં
- મહત્વની અને લોકલ ટ્રેનો વાયા જેતલસર થઈને ચલાવવા માગણી

ધોરાજી, તા.09 માર્ચ 2020, સોમવાર
પોરબંદરથી ૩૩ ટ્રેનો રાજકોટ તરફ જાય છે જેમાંથી માત્ર ૨ ટ્રેન જેતલસરથી રાજકોટ જાય છે અને એક ટ્રેન વિકલી, એમ માત્ર ૩ ટ્રેન વાયા જેતલસર થઈને જાય છે, બાકીની ૩૦ ટ્રેનો વાંસજાળિયાથી વાયા જામનગરથી રાજકોટ છે આ પ્રકારના ઘોર અન્યાય સામે સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન દ્વારા રેલવેના જનરલ મેનેજરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
૧૦ વર્ષ પહેલા વાંસજાળિયાથી જેતલસર ૯૦ કિલોમીટરના માર્ગમાં રૂ. ૯૦ કરોડના ખર્ચે મીટરગેજમાંથી બ્રોડ ગેજ રૂપાંતરણ કરવામાંઆવ્યું હતું. એ સમયે પોરબંદરથી અમદાવાદ સુધીની કુલ ૫ ટ્રેનો ચાલતી. આ વિસ્તારના ૨૦ લાખથી વધુ પેસેન્જરો ધરાવતા રૂટમાં વધુ લાભ મળશે તેવી આશાઓ હતી પરંતુ માત્ર ૧ ટ્રેન મળી હતી. પોરબંદરથી સોમનાથ ડેઇલી ૧ અને છેલ્લે પોરબંદર સંતરા ઘાંચી અઠવાડિક ૧ ટ્રેન મળી. ૫ ટ્રેનો સામે માત્ર રાજકોટ જવા માટે ૧ જ ટ્રેન મળી ત્યારે પોરબંદર વાયા જેતલસર ટ્રેક પર રાજકોટ જવાની માત્ર ૧ ડેઇલી અને એક ટ્રેન સોમનાથ જવા માટે અને એક અઠવાડિક ટ્રેન મળી જે આ વિસ્તાર માટે રેલવે તંત્રનો ઘોર અન્યાય ગણાવ્યો હતો.
પોરબંદરથી રાજકોટ જવા માટે વાયા જામનગર ૨૧૮ કિલોમીટર થાય છે, માત્ર ૮ રેલવે સ્ટેશન આવે છે અને પોરબંદરથી વાયા જેતલસર થઈને રાજકોટ જવા માટે માત્ર ૨૦૨ કિલોમીટર થાય છે જેમાં ૧૬ કિલોમીટરનો રસ્તો ટૂંકો પડે છે. ૧૪ રેલવે સ્ટેશનના પેસેન્જરોના ૨૦ લાખ પેસેન્જરો ફાયદો થાય એમ હોવાનું જણાવ્યું હતું.
રેલવેના જનરલ મેનેજર પાસે નવી માગણી મૂકતા એસોસિએશને જણાવ્યું કે રાજકોટ પોરબંદર વાયા જેતલસર નવી લોકલ ટ્રેન પોરબંદરથી વહેલી સવારે આપવી જેમાં જામજોધપુર, પાનેલી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, વીરપુર, ગોંડલ વગેરે વિસ્તારના લોકોને રાજકોટ જવા માટે ફાયદો થશે.
ઉપરાતં પોરબંદર થી લઈ જામકડોરણા સુધીના ૨૫૦૦૦ જેટલા પરિવારો હીરા પાવર લુમ્સ કાપડ તેમજ અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી આ વિસ્તારના લોકોને મુંબઈ સુરત જવા માટે પ્રાઇવેટ ખાનગી બસોમાં મુસાફરી કરવી પડે છે જો પોરબંદર વાયા જેતલસર મુંબઈની ટ્રેન મળે તો આ વિસ્તારના લોકોને મોટો ફાયદો થાય તેમ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોરબંદર સંતરા ઘાંચી ટ્રેનને ધોરાજીમાં સ્ટોપ આપવા પણ માગણી કરવામાં આવી હતી. આ બાબતે રેલવેના જનરલ મેનેજર-મુંબઈ તેમ જ ભાવનગરના ડીઆરએમ એ આ વિષય ઉપર ચર્ચા કરી તાત્કાલિક ઘટતું કરવા બાબતે સૌરાષ્ટ્ર વેસ્ટન પેસેન્જર એસોસિએશનને ખાતરી આપી હતી.
રેલવેના જીએમે કહ્યું, 'હું નવી ટ્રેન ન આપી શકું, દિલ્હી રજૂઆત કરો'
જામજોધપુર, પાનેલી, ઉમલેટા અને ધોરાજી પંથકના છેલ્લા ૧૦ વર્ષથી ઊભેલા રેલવેના પ્રશ્નો અંગે આ વિસ્તારના લોક પ્રતિનિધિઓ, રેલવે પેસેન્જર એસોસિએશનના હોદ્દેદારો જ્યારે નવી ટ્રેન અંગે રજૂઆત કરવા ગયા ત્યારે રેલવેના જનરલ મેનેજરે રોકડો જવાબ આપી દીધો કે, 'નવી ટ્રેન ફાળવવી મારા હાથની વાત નથી. મારી પાસે એ સત્તા નથી. જેથી આપ આગેવાનો તમારી રજૂઆત તમારા સાંસદને રાખીને રેલવે બોર્ડ અથવા રેલવે મંત્રીને કરો અને મંજૂરી મળે તો નવી ટ્રેન ચાલુ કરી શકાય.' આ જવાબથી આગેવાનો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને આગામી સમયમાં દિલ્હી જવું કે કેમ એ વિશે ચર્ચા કરવા લાગ્યા હતા.