ખંભાળિયામાં વેપારીની સાથે 30 હજારની ઓનલાઇન ઠગાઇ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ખંભાળિયામાં વેપારીની સાથે 30 હજારની ઓનલાઇન ઠગાઇ 1 - image


રાજસ્થાનનાં શખ્સ સામે પોલીસ ફરિયાદ

મંડપ સર્વિસનાં વ્યવસાય માટે કાચ અને લાઇટીંગની ચાર ફ્રેમનો ઓર્ડર આપીને રૂપિયા ચૂકવ્યા, પણ માલ મળ્યો નહીં

ખંભાળિયા: ખંભાળિયામાં મંડપ સર્વિસના વેપારી સાથે રૂા.૩૦ હજાર ઓનલાઇન છેતરપિંડી કરાતા રાજસ્થાની શખ્સ સામે ફરિયાદ નોંધાવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં જોધપુર ગેઇટ વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઇ રસિકલાલ સામાણી નામના ૩૬ વર્ષના વેપારી યુવાને થોડા સમય પૂર્વે ચોક્સ મોબાઇલ નંબર ધરાવતા કોટા (રાજસ્થાન)ના દલવીરસિંગ બેનીવાલ નામના શખ્સ પાસેથી મીરર બ્લુ ટયુબ ફાઉન્ડેશન નામની કાચની તથા લાઇટિંગની ચાર નંગ ફ્રેમનો ઓર્ડર આપ્યો હતો.

આ ઓર્ડર માટે મનીષભાઇએ દલવીરસિંગને રૂા.૩૦ હજાર ગુગલ-પે મારફતે ચૂકવ્યા હતા. પરંતુ રાજસ્થાની શખ્સ દ્વારા મનીષભાઇને તેમના કમિટમેન્ટ મુજબનો માલ સામાન નહીં મોકલીને મનીષભાઇ તથા તેમની સાથે અન્ય એક વેપારી કેતનભાઇને વિશ્વાસમાં લઇ અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ અંગે પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ તથા આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ સાઇબર ક્રાઇમ સેલ વિભાગના પીઆઇ એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News