વેપારીને આર્મીમેનની ઓળખ આપી ઓનલાઈન છેતરપિંડી
પૈસા જમા કરવા કહી ૪૭ હજાર ટ્રાન્સફર કરી લીધા
'તમારા સિવાય હું કોઈને ઓળખતો નથી' એવી વાતો કરતા ઉનાના વેપારી વિશ્વાસમાં આવી ગયા
જૂનાગઢ : ઉનામાં રહેતા એક વેપારીને અજાણ્યાં શખ્સે આર્મીમેનની ઓળખ આપી પૈસા જમા કરવા કહી બાદમાં વેપારીના ખાતામાંથી કુલ ૪૭ હજાર રૃપિયા ટ્રાન્સફર કરી લઈ ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદ થતા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ ઉનામાં ખોજખાના પાસે રહેતા વેપારી
યાસીનભાઈ જહાંગીરભાઈ ખોજજાદા (ઉ.વ.૪૪) ગત તા.૨૦-૧૦-૨૦૨૩ના દુકાને હતા ત્યારે એક
અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો.જેમાં તેણે પોતે આર્મીમેન હોવાની ઓળખ આપી હતી. તેણે
કહ્યું કે 'મારે એક
વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે,
જે હું તમારા એકાઉન્ટ પર ટ્રાન્સફર કરાવુંછું.' યાસીનભાઈને દિવના આર્મી કેમ્પનો પોતાનો ગ્રાહક બોલે છે એમ હતું.યાસીનભાઈએ પોતાના
ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની ના પાડી હતી
તેમ છતાં આ ગઠિયાએ 'હું
તમારા સિવાય કોઈને ઓળખતો નથી ,મારે
પૈસાની જરૃર છે.' એમ કહેતા
વેપારી યાસીનભાઈ વિશ્વાસમાં આવી ગયા હતા. યાસીનભાઇએ ૨૫ હજાર,બે હજાર અને ૨૦
હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં અજાણ્યાં શખ્સે ફોન બંધ કરી દીધો હતો. આ અંગે
યાસીનભાઈએ જૂનાગઢ સાયબર સેલમાં અરજી આપી હતી,
જેના આધારે આજે જૂનાગઢ રેન્જ સાયબર સેલે અજાણ્યાં શખ્સ સામે ઓનલાઈન
છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.