ઘરવેરો વસુલવાની વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમને ઓછો પ્રતિસાદ મળતા સુધારા કરાયા, મનપાની સાધારણ સભામાં મંજૂરી અપાશે
- 29 મીએ ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં 6 ઠરાવને મંજૂરી આપવા નિર્ણય કરાશે
- આર્થિક સહાય, એડીશનલ સીટી એન્જીનીયરની નિમણૂંક, ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર શિક્ષકોને ઉચ્ચક નાણાંકીય સહાય આપવી સહિતના ઠરાવને બહાલી અપાશે
મહાપાલિકાની કચેરીના હોલ ખાતે સાધારણ સભા આગામી તા. ર૯ નવેમ્બરને શુક્રવારે સાંજે ૪ કલાકે મેયરના અધ્યક્ષ સ્થાને મળશે, જેમાં ઘરવેરાનો પાછલો બાકી વેરો ધરાવતા મિલ્કત ધારકોને પ્રોત્સાહિત કરવા વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ-૨.૦ (ઓટીઆઈએસ ૨.૦) યોજના લાગુ કરવાની મંજુરી આપવામાં આવશે. ગત તા. ૩૧ જાન્યુઆરી-ર૦ર૪થી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ (ઓટીઆઈએસ) લાગુ કરવામાં આવી હતી પરંતુ આ યોજનાને ત્યારે ઓછો પ્રતિસાદ મળ્યો હતો, જેથી અગાઉની જોગવાઈઓમાં દરખાસ્તમાં જણાવેલ ૧ થી ૧૧ સુધારા કરવા યોગ્ય જણાતા હોય, જે ધ્યાને લઈ ભાવનગર મહાપાલિકાની મિલ્કત વેરા તથા વિવિધ ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલ્કત ધારકો નિયમીત પણ વેરો ભરવા પ્રોત્સાહીત થાય તે માટે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ-ર.૦ (ઓટીઆઈએસ) લાગુ કરવા સ્ટેન્ડીંગ કમિટિ તરફથી થઈ આવેલ ભલામણ મુજબ મંજૂરી આપવા અંગે નિર્ણય કરાશે.
સ્ટેન્ડીંગ કમિટિએ આ યોજનામાં કેટલાક સુધારા કર્યા છે, જેમાં આ સ્કીમમાં વનટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ(ઓટીઆઈએસ ૧.૦) માં જે તે વર્ષની હપ્તાની તમામ રકમ એકસાથે ભરપાઈ કરવાની રહેતી હતી. જયારે ઓટીઆઈએસ ૨.૦ માં હપ્તાની રકમને સમગ્ર નાણાંકીય વર્ષ દરમિયાન કોઈપણ સમયે બે ભાગ (પાછલ બાકી + ચાલુ બાકી)માં ભરપાઈ કરવાનું પ્રાવધાન કરેલ છે. વનટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ (ઓટીઆઈએસ ૧.૦) માં જે તે વર્ષની હપ્તાની ભરપાઈ કર્યા સુધીનું ચાલુ બાકીની રકમનું વ્યાજ ભરપાઈ કરવાનું રહેતુ હતું પરંતુ ઓટીઆઈએસ ૨.૦ માં ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫)દરમિયા જો હપ્તા ભરપાઈ કરવામાં આવે તો ચાલુ વર્ષનું ચડત થયેલ વ્યાજ બાદ મળશે. યોજના હેઠળ બાકી રકમ ધરાવતા મિલ્કત ધારકોને તેઓની એનરોલ્મેન્ટની જે તે તારીખે કુલ બાકી રકમ (પાછલા વ્યાજ સહિત)નાં એકસરખા પાંચ હપ્તા કરી આપવામાં આવશે અને પ્રથમ હપ્તાની રકમ આગામી તા. ૩૧ માર્ચ-૨૦૨૫ સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. ત્યારબાદ આગામી ચાર વર્ષમાં પ્રત્યકે વર્ષે એક હપ્તા સાથે જે તે વર્ષની ચાલુ બાકી વેરાની રકમ ભરપાઈ કરવાની રહેશે. ઓટીઆઈએસ ૨.૦ યોજના એનરોલ્મેન્ટ કરી પ્રથમ હપ્તો ભરપાઈ કરવાથી ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫નું પાછલી તથા ચાલુ બાકી રકમ પરનું ચડત થયેલ વ્યાજ માફ કરવામાં આવશે.
વધુમાં આગામી ચાર વર્ષમાં પણ નિયમીત હપ્તાની રકમ ભરપાઈ કર્યેથી જે તે વર્ષે વ્યાજ તથા નોટીસ ફી ચડત થશે નહીં. આ યોજનાનો લાભ લેવા મિલ્કતધારક દ્વારા આગામી તા. ૩૧ માર્ચ-૨૦૨૫ સુધીમાં એનરોલ્મેન્ટ સ્લીપમાં દર્શાવેલ પ્રથમ વાષક હપ્તાની રકમ ભરવાની રહેશે. આ ઉપરાંત બે કર્મચારીઓની આર્થિક સહાય મંજૂર કરાશે, એડીશનલ સીટી એન્જીનીયરની નિમણૂંક, ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના કિસ્સામાં તેમના વારસદારોને ઉચ્ચક નાણાંકીય સહાયની રકમ શિક્ષકોને પગાર-પેન્શન માટે સરકાર દ્વારા ૮૦ ટકા ગ્રાન્ટ તથા ર૦ ટકા કોર્પોરેશનનો ફાળો આપવામાં આવે છે તે મુજબ ર૦ ટકા મુજબની રકમનો ફાળો સાધારણ સમગ્ર સભામાં નિર્ણય થયા તારીખથી આપવાની મંજૂરી આપવા અંગે નિર્ણય કરાશે. જીકોમ મારફતે આઈ.સી.એલ.ઇ.આઈ. સાઉથ એશીયા દ્વારા ભાવનગર મહાપાલિકા માટે તૈયાર કરવામાં આવેલ ભાવનગર શહેરના સી.આર.સી.એ.પી. (કલાઈમેટ રીઝીલીયન્ટ સીટી એકશન પ્લાન) ડ્રાફટ પરત્વે મંજૂરી આપવા અંગે નિર્ણય કરાશે.