માતાના મઢે જતા પદયાત્રિકો ઉપર ડમ્પર ફરી વળતાં એકનું મોત, બે ઘાયલ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
માતાના મઢે જતા પદયાત્રિકો ઉપર ડમ્પર ફરી વળતાં એકનું મોત, બે ઘાયલ 1 - image


માળિયા - કચ્છ હાઇ-વે હરીપર ગામ નજીક અકસ્માત

પૂરઝડપે નીકળેલું ડમ્પર ડિવાઇડર સાથે અથડાતાં પદયાત્રીઓ ઝપટે ચડયા, યુવાનનાં માથાંના ભાગે ટાયર ફરી વળતાં જીવ ગયો

મોરબી: નવરાત્રી દરમીયાન માતાના મઢે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે અને નવરાત્રીના અનેક દિવસો પૂર્વે જ પદયાત્રા શરુ કરતા હોય છે ત્યારે, વાંકાનેરથી માતાના મઢ જવા નીકળેલ ત્રણ પદયાત્રીને માળિયા કચ્છ હાઈવે પર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું, જયારે અન્ય બેને ઈજા પહોંચી છે.

વાંકાનેરના સમઢિયાળા ગામના રહેવાસી મહેશભાઈ ધીરૂભાઈ ધણાદીયા (ઉ.વ.૨૩)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અને સંજયભાઈ બંને માતાના મઢ જવા પગપાળા નીકળ્યા હતા અને રાતડીયા ગામેથી માસીનો દીકરી કિશન મેર અને તેના ગામના જેરામભાઈ મેર, ગોરધનભાઈ ડાભી, વિજયભાઈ મેર અને પ્રકાશભાઈ શારદીયા જોડાયા હતા. બધા માતાના મઢ પગપાળા જતા હતા અને રાત્રીના માળિયાના હરીપર ગામ નજીક કચ્છ હાઈ-વે પહોંચ્યા, ત્યારે મોરબી તરફથી એક ડમ્પર ચાલક પુરઝડપે ડમ્પર ચલાવી નીકળ્યો હતો અને ડમ્પર રોડ સાઈડમાં ડિવાઈડર સાથે અથડાતા અને આગળ જતા પ્રકાશભાઈ, જેરામભાઈ અને ગોરધનભાઈ ત્રણેયને હડફેટે લીધા હતા 

અકસ્માતમાં પ્રકાશભાઈ સવજીભાઈ સારદીયા (ઉ.વ.૨૨) ના માથાના ભાગે ટાયર ફરી વળ્યું હતું. જેથી માથું ચગદાઈ ગયેલ અને શરીરે પણ ઈજા પહોંચી હતી. તેમજ ગોરધનભાઈને માથા અને છાતીના તેમજ પગના ભાગે ઈજા થઇ હતી તેમજ જેરામભાઈને પણ ઈજા પહોંચી હતી. દરમિયાન હાઈવે પરની એમ્બ્યુલન્સ આવી જતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માળિયા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


Google NewsGoogle News