વેપારી વિભાગનું એક ફોર્મ રદ્દ, ચારે સીટ બિનહરીફ થઇ
- યાર્ડમાં એક ઉમેદવારની દરખાસ્ત પાછી ખેંચી લેવાતા
- ભાવનગર યાર્ડમાં ખેડૂત વિભાગની 10 સીટ માટે ભરાયેલ 32 ફોર્મની ચકાસણી પૂર્ણ : તમામ પાસ
મળતી વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ૧૦ વર્ષ બાદ સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેમાં ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં ખેડૂત વિભાગમાં કુલ ૩૨ ફોર્મ દરખાસ્તના આધારે ભરાયા હતાં. જ્યારે વેપારી વિભાગની ચાર સીટ માટે પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. જે તમામ નિયુક્તિ પત્રોની આજે ચકાસણી કરવામાં આવી હતી જે અંતર્ગત વેપારી વિભાગમાં દરખાસ્ત કરનારે દરખાસ્ત પાછી ખેંચી લેતા બનેશંગભાઇ ભગવાનભાઇ કાઠીયાનું ફોર્મ રદ્દ થવા પામ્યું હતું અને વેપારી પેનલની ચાર સીટ સામે શાહ વિપુલ પ્રદિપભાઇ, શાહ નિલેષભાઇ નવલચંદ, શાહ અર્પિતકુમાર જસવંતરાય અને ખમલ મુકેશભાઇ વાલજીભાઇ બિનહરીફ થવા પામ્યા હતાં. જો કે, આ ચારે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પ્રેરીત હોવાનું જણાયું છે. જેઓને સંગઠનના હોદ્દેદારોએ આવકાર્યાં હતાં. જ્યારે ખેડૂત વિભાગની ૧૦ સીટ માટે ભરાયેલ ૩૨ ઉમેદવારી પત્રોની ચકાસણી કરી તમામ પાસ થયેલ હોવાનું જણાયું છે. ત્યારે આગામી તા.૧૫ના રોજ યોજાનાર મતદાનમાં ચૂંટણી જંગ જામશે. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ ૮ જાન્યુઆરી નક્કી કરેલ હોય ખેડૂત વિભાગનું ઉમેદવારી ચિત્ર સ્પષ્ટ થશે.