Get The App

ભાણવડના ધારાગઢ નજીક આઇસરનું ટાયર ફાટતાં એકનું મોત, 40 ઘાયલ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
ભાણવડના ધારાગઢ નજીક આઇસરનું ટાયર ફાટતાં એકનું મોત, 40 ઘાયલ 1 - image

ભરવાડ પરિવાર સગાઇ પ્રસંગે ભેનકવડ જતો હતો

ટાયર ફાટતાં જ વાહન પલટી મારી જતાં રસ્તા પર રાડારાડ મચી ગઇઃ તમામને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા, બે અતિ ગંભીર

જામનગર: લાલપુરના મેમાણા ગામેથી ભરવાડ પરિવાર સગાઇ પ્રસંગે આઇસરમાં બેસીને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહ્યો હતો. દરમિયાન સવારે આઠેક વાગ્યાના અરસામાં ધારાગઢ પાસે ટાયર ફાટતાં અકસ્માત નડયો હતો, અને અંદર બેઠેલા ચાલીસ જેટલા મહેમાનોને નાની મોટી ઇજા થઈ હતી, જે પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય બે ને ગંભીર ઇજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના ૫૦થી વધુ સભ્યો આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી નીકળીને ભાણવડ નજીક ભેંનકવડ ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહ્યા હતા, જેમાં સ્ત્રી પુરુષો અને બાળકો વગેરેનો સમાવેશ થાય છે. આઇસર ભાણવડ નજીક ધારાગઢ પાસે પહોંચતાં એકાએક આઇસરનું ટાયર ફાટયું હતું, અને  આઇસર રોડથી નીચે ઉતરી ગયું હતું, જેથી ૪૦ થી વધુ મહેમાનોને નાની મોટી ઈજા થઈ હતી.

ઈજાગ્રસ્ત તમામને જુદી જુદી એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે ભણવડની સરકારી હોસ્પિટલ, લાલપુરની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક યુવાન માલાભાઈ હમીરભાઈ ઝુંઝા (૪૮)નું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મહેમાનોને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. અન્યની નાની મોટી સારવાર ચાલી રહી છે.

આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે અફડાતફડી સર્જાઇ હતી, અને ભાણવડ પોલીસ તેમજ લાલપુર પોલીસની ટુકડી જુદી જુદી હોસ્પિટલોમાં દોડતી થઈ. જે સમગ્ર બનાવ મામલે ભાણવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News