શહેરમાં દારૂ-બિયર સાથે એક ઝડપાયો, 3 ફરાર

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
શહેરમાં દારૂ-બિયર સાથે એક ઝડપાયો, 3 ફરાર 1 - image


- ગંગાજળિયા અને ઘોઘારોડ પોલીસે 3 રહેણાંક મકાનમાં દરોડા પાડયાં

- અમરગઢ ગામે મકાનમાંથી અંગ્રેજી દારૂની ૭૯ બોટલ મળી, શખ્સ નાસી ગયો : હાથબનો શખ્સ દારૂની બોટલ સાથે પકડાયો

ભાવનગર : ભાવનગર શહેર અને સિહોર તાલુકાના અમરગઢ ગામે પોલીસે જુદા-જુદા ચાર રહેણાંક મકાનમાં દરોડા પાડી વિલાયતી દારૂની ૧૩૯ બોટલ અને બિયરના ૮ ટીન કબજે કર્યા હતા. ચારેય દરોડામાં એક શખ્સ પોલીસની ઝપટે ચડયો હતો. જ્યારે ચાર શખ્સ નાસી ગયા હતા. તો હાથબ ગામેથી એક શખ્સને પોલીસે દારૂની બે બોટલ સાથે પકડી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ક.પરા, પુરીનો ચોક, માછીમારના ડેલામાં રહેતો રાજ ઉર્ફે ભુરો જગદીશભાઈ કડવા નામના શખ્સના મકાનમાં ગંગાજળિયા પોલીસે રેઈડ પાડી બિયરના આઠ ટીન કબજે કર્યા હતા. આ દરોડામાં શખ્સ નાસી ગયો હોય, તેની સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજા બનાવમાં શહેરના ક.પરા, પ્રેસ રોડ, સંચળવાળા ચોક પાસે આવેલી ગલીમાં, ભરવાડાવાળાના નાકે મહેશભાઈના મકાનમાં રહેતો વિક્રમ ઉર્ફે વિક્કો દિલીપભાઈ મકવાણાના ઘરમાંથી ગઈકાલે સોમવારે મોડી રાત્રિના સમયે ગંગાજળિયા પોલીસે રેઈડ પાડી કંતાનમાં રાખેલા દારૂના ૫૨ ચપટાં સાથે શખ્સને ઝડપી લઈ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો દિવ્યેશ ઉર્ફે ભુરો નવલભાઈ સોલંકી પાસેથી લાવ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી દિવ્યેશ ઉર્ફે ભુરાની શોધખોળ હાથ ધરી છે. 

ત્રીજા બનાવમાં શહેરના સુભાષનગર, વર્ષા સોસાયટી સામે રહેતો વિવેક અરજણભાઈ આલગોતર નામના શખ્સના રહેણાંક ઘરમાં દારૂની બોટલો છુપાવેલી હોવાની ચોક્કસ બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે ગઈકાલે રાત્રિના સમયે રેઈડ કરી દારૂની આઠ બોટલ જપ્ત કરી હતી. પોલીસના દરોડામાં શખ્સ હાજર મળી ન આવતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોથા બનાવમાં સિહોર તાલુકાના અમરગઢ (જીથરી) ગામે શીતળા માતાજીની દેરી પાછળ કાંગસિયા વાડમાં રહેતો હિંમત શંભુભાઈ પરમારના મકાનમાં આજે મંગળવારે સવારના સમયે સોનગઢ પોલીસે રેઈડ પાડી અંગ્રેજી દારૂની ૭૯ બોટલ કબજે કરી હતી. જ્યારે શખ્સ નાસી ગયો હોય, તેની સામે પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પાંચમાં બનાવમાં હાથબ ગામે મહાદેવ વાડી વિસ્તારમાં રહેતો ભાવેશ ઉર્ફે ભજ્જી જેરામભાઈ બારૈયા નામનો શખ્સ આજે મંગળવારે બપોરના સમયે હાથબ બંગલા જવાના રસ્તા પર વિદેશી દારૂની બે બોટલ લઈને ઉભો હતો. ત્યારે ઘોઘા પોલીસે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News