Get The App

પાલિતાણાના ચકચારી જીએસટી કૌભાંડમાં દોઢ વર્ષે શખ્સ પકડાયો

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
પાલિતાણાના ચકચારી જીએસટી કૌભાંડમાં દોઢ વર્ષે શખ્સ પકડાયો 1 - image


- અન્ય લોકોના ડોક્યુમેન્ટ્સ મેળવી બોગસ પેઢી ઉભી કરી કરચોરીનું કૌભાંડ ઉઘાડું પડયું હતું

- ભાવનગરના 'ભીમા'ને કુંભારવાડા સર્કલ પાસેથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઉઠાવી લીધો

ભાવનગર : પાલિતાણામાં દોઢ વર્ષ પૂર્વે અન્ય લોકોના ડોક્યુમેન્ટ્સ મેળવી બોગસ પેઢી ઉભી કરી જીએસટીનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ ચકચારી ઘટનામાં સંડોવાયેલા ભાવનગરના 'ભીમા'ને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દોઢ વર્ષ બાદ કુંભારવાડા સર્કલ પાસેથી ઉઠાવી લીધો હતો.

સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર પાલિતાણામાં લોકોના ૩૦૦થી ૫૦૦ રૂપિયા આપી તેમના આધારકાર્ડ, ફોટોગ્રાફ મેળવી  આધારકાર્ડમાં બીજા ફોન નંબર લીંક કરી પાનકાર્ડ મેળવી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ-અલગ નામની બોગસ પેઢીઓ ઉભી કરી બોગસ જીએસટીએન નંબર મેળવી કરચોરી કરવાનું કૌભાંડ છતું થયું હતું. સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાની ઘટનામાં ગત ૧૧-૦૨-૨૦૨૩ના રોજ ભાવનગર નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરીમાં રાજ્યવેરા અધિકારી-ર તરીકે ફરજ બજાવતા એમ.વી. વ્યાસે મોહમંદ બોમર, અમન ચૌહાણ, ખાલીદ ચૌહાણ અને રાજુ ચૌહાણ નામના ચાર કૌભાંડી સામે પાલિતાણા ટાઉન પોલીસમાં આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. જે ગુનાની તપાસ કરતા એક પછી એક અનેક કૌભાંડીઓના નામ ખુલતા એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)એ શખ્સોને ઉઠાવી લીધા હતા.

દરમિયાનમાં આ કૌભાંડમાં હુસેન ઉર્ફે ભીમો અલ્તાફભાઈ સુમરા નામના શખ્સનું પણ નામ ખુલ્યું હોય, દોઢ વર્ષથી નાસતો-ફરતો શખ્સ કુંભારવાડા સર્કલ પાસે રોડ ઉપર ઉભો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગઈકાલે ગુરૂવારે પાલિતાણાના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલો હુસેન ઉર્ફે ભીમો અલ્તાફભાઈ સુમરા (ઉ.વ.૨૧, રહે, ઈમરાનભાઈ સોડાવાળાની બાજુમાં, મહમંદ મસ્જિદ પાસે, અપનાનગર, માઢિયા રોડ, કુંભારવાડા) નામના શખ્સની ધરપકડ કરી બોરતળાવ પોલીસને સોંપી દીધો હતો. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી છે.


Google NewsGoogle News