Get The App

ગાળો બોલવા બાબતે ટ્રાન્સપોર્ટર ઉપર હુમલો, કારમાં પણ તોડફોડ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ગાળો બોલવા બાબતે ટ્રાન્સપોર્ટર ઉપર હુમલો, કારમાં પણ તોડફોડ 1 - image


મોરબી રોડ જકાત નાકા પાસે ઠાકર ચોકની ઘટના

પિતાને ગાળો દેનાર શખ્સને ટપારતાં તેણે અન્ય આરોપીઓને બોલાવી હુમલો કર્યોસ્થળ પરથી આરોપીઓના સાતે'ક બાઇક મળ્યાં

રાજકોટ :  મોરબી રોડ પરની જય જવાન જય કિસાન સોસયટી શેરી નં. ૪ના ખૂણે રહેતા ટ્રાન્સપોર્ટર ગૌતમ હિન્દુભાઈ બાંભવા (ઉ.વ.૨૨) ઉપર ગેરકાયદેસર મંડળી રચી છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી, ઇજા પહોંચાડી, તેની કારમાં પણ તોડફોડ કર્યાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ગાળો બાબતે આરોપીઓએ આ કૃત્ય કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં ગૌતમભાઇએ જણાવ્યું છે કે તે નાગબાઇ ટ્રાન્સપોર્ટ નામે પેઢી ચલાવે છે. ગઇ તા. ૧૮ના રોજ ઘરની સામે આવેલ મિત્ર હરેશના કારખાના કે જ્યાં યુવતીઓ કામ કરે છે, ત્યાં રવિ ઉર્ફે ગઇઢો બોહકીયા કોઇ સાથે ગાળાગાળી કરતો હતો. જેથી તેના પિતાએ શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં રવિએ તેના પિતાને ગાળો ભાંડી હતી. જે વાત પિતાએ તેને કહી હતી.

ગઇકાલે રાત્રે તે બે મિત્રો ગોવિંદ ચાવડીયા અને રાણો ઝાપડા સાથે જ્યાં બેઠક હતી ત્યાં બેઠો ત્યારે રવિ ત્યાં આવ્યો હતો. જેથી તેને મારા પિતાને કેમ ગાળો આપતો હતો તેમ પૂછતાં રવિએ મિત્ર દકાને બોલાવ્યો હતો. જેણે પેન્ટમાંથી છરી કાઢી બેફામ ગાળો ભાંડવાનું શરૃ કર્યું હતું. પરિણામે તેને ગાળો ભાંડવાની ના પાડતાં દકાએ કોઇને કોલ કર્યો હતો.

તે સાથે જ અલગ-અલગ બાઇક પર ૧૦થી ૧૨ શખ્સો ધસી આવ્યા હતાં. જેમાં દકાનો ભાઈ કિશન, વિરેન, બુધ્ધો, વિશાલ ઉર્ફે ટકો ઉપરાંત અન્ય હતાં. આ તમામના હાથમાં ધોકા, પાઇપ, તલવાર, સોડા-બોટલ હતી. આવીને તેની ઉપર ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાંથી દકાએ તેના જમણા હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.

તે સાથે જ તે પોતાની ઠાકર ચોક ખાતે પડેલી સ્વીફટમાં બેસી કાર ચાલુ કરે તે પહેલાં જ આરોપીઓએ તેની કાર ઉપર ધોકા-પાઇપના ઘા ઝીંકવાનું શરૃ કર્યું હતું. જેને કારણે આગળનો અને ડ્રાઇવર સાઇડનો કાચ તૂટી ગયો હતો. આ ઉપરાંત અન્ય ભાગોમાં નુકસાની થઇ હતી. તે કાર લઇ ત્યાંથી જતો રહ્યો હતો. બેડી બાયપાસ પાસે સિલ્વર પાર્ક-૨માં પહોંચ્યો હતો. જ્યાંથી પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કર્યો હતો. પોલીસ આવી જતાં તેને હકીકતો જણાવી હતી.

ત્યાર પછી પોલીસ સાથે ઠાકર ચોકમાં ગયો હતો. જ્યાંથી આરોપીઓ પોલીસને જોઇ બાઇક મૂકી ભાગી ગયા હતા. સ્થળ પરથી સાતેક બાઇક મળી આવ્યા હતા. આ પછી તેણે પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં છ શખ્સોના ટૂંકા નામો અપાયા છે. બાકીના અજાણ્યા હોવાનું જણાવાયું છે.


Google NewsGoogle News