પચ્છેગામના સંતરામ મંદિરમાં ગુરૂવારે 131 માં વાર્ષિકોત્સવ પ્રસંગે સાકરવર્ષા થશે
- નડિયાદના સુપ્રસિધ્ધ મંદિરની પ્રણાલિકા મુજબ
- મહંતો, સંતવૃંદની નિશ્રામાં આયોજિત ધર્મોત્સવમાં મંદિરનું સંકુલ જય મહારાજના નારાથી ગુંજી ઉઠશે
નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં દર વર્ષે પરંપરાગત રીતે સંતરામ મહારાજના સમાધિ મહોત્સવ પ્રસંગે દિવ્ય સાકરવર્ષા મહોત્સવ ઉજવાય છે. જેમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. તે જ પ્રણાલિકા મુજબ વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં આવેલા સંતરામ મંદિરમાં ૧૩૧ મો વાર્ષિકોત્સવ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવાશે. નડિયાદ મંદિરના વર્તમાન મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી અને રવિદાસ મહારાજ તથા સેવકવૃંદ આયોજિત આ અવસરે સવારે ૯ કલાકે પાદુકા પુજા, બપોરે ૧૨ કલાકે આરતી, સાકરવર્ષા, સંતદર્શન થશે બાદ મહાપ્રસાદ રાખેલ છે. આ સાકરવર્ષા મહોત્સવને લઈને મંદિરમાં લોકમેળો ભરાશે. જેમાં પચ્છેગામના વતની અને ધંધા-નોકરી, વ્યવસાય અર્થે દેશભરમાં સ્થાયી થયેલા વતનપ્રેમી શ્રધ્ધાળુઓ સહિત હજજારો ભકતોનું ઘોડાપુર ઉમટી પડશે.આરતી બાદ મંદિરના પરિસરમાં હકડેઠઠ ઉમટેલી માનવમેદની દ્વારા જય મહારાજ જય મહારાજના ગગનભેદી નારાથી મંદિર ગુંજી ઉઠશે. આ સાથે સંતગણ તથા સ્વયંસેવકો દ્વારા સાકરવર્ષા કરવામાં આવશે. જેમાં અંદાજે ૧૦૦ મણ સાકર અને ટોપરૂ ઉછાળવામાં આવશે. આ પ્રસાદ ગ્રહણ કરીને ભકતો ધન્યતા અનુભવશે.
મહોત્સવમાં અર્ધા લાખથી વધુ ભાવિકો ઉમટશે
પચ્છેગામના વાર્ષિકોત્સવમાં વલ્લભીપુર અને ઉમરાળા પંથકના ગામો, ભાવનગર ઉપરાંત નડિયાદથી મળી કુલ અર્ધા લાખથી વધુ ભાવિકો ખાનગી વાહનોમાં ઉમટશે.આ મંદિરમાં ૩૦ વર્ષથી સાકરવર્ષા થાય છે. જેમાં ભાવિકો દ્વારા ૮૦૦ કિલોથી વધુ સાકર, કોપરૂ, ગુલાબની પાંદડીઓની વર્ષા થાય છે. આ ઉપરાંત બાળકો બોલતા ન હોય કે બોલવામાં તકલીફ પડતી હોય તેવા પરિવારો આ મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે.