હળવદમાં સેન્ટીંગ કામ કરતાં ત્રણ ભાઈઓ ઉપર હુમલો, એકનું મોત
ભરાઈ કામ કરતાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓનું કૃત્ય
ઘાયલ યુવાનને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લવાતા તબીબોએ મૃત જાહેર કર્યો, બીજા ભાઈની હાલત ગંભીર
હળવદ: હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં બાંધકામની સાઈટ ઉપર ગઈકાલે બપોરે સેન્ટીંગ કામ કરવા આવેલા ત્રણ ભાઈઓ ઉપર ભરાઈ કામ કરવા આવેલા પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓએ સળિયા, છરી અને ખંપારા વડે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા બે ભાઈમાંથી એકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ઘાયલ બીજા ભાઈની હાલત ગંભીર ગણાવાય છે. હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
હળવદના નવા ઈસનપુર ગામે રહેતા જયદિપ ખોડાભાઈ સોનાગરા (ઉ.વ.રપ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે અને તેના બે ભાઈઓ સેન્ટીગનું કામ કરે છે. હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં અજીત રામજી દેવીપુજકના મકાનનું ચણતર કામ ચાલું છે. જેના કોન્ટ્રાકટર અશરફ ઘાંચીએ તેમને સેન્ટીંગ કામ સોંપ્યું હતું. જેથી ગઈકાલે સવારે તે તેનો ભાઈ રવિ અને નાનો ભાઈ હિરેન બોલેરો પીકઅપ ગાડીમાં સાઈટ પર ગયા હતા.
તે વખતે ત્યાં નટુભાઈ ઉર્ફે દાઢી ડુંગર પરમાર અને તેનો પુત્ર સાહિલ મજુરો સાથે ભરાઈનું કામ કરતા હતા. તેનો મોટો ભાઈ રવિ સીડીનું સેન્ટીંગ કામ કરી રહ્યો હતો ત્યારે નટુ અને તેના પુત્ર સાથે માથાકૂટ થતાં બંનેએ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. જેથી તે અને તેનો ભાઈ હિરેન ત્યાં પહોંચ્યા હતા. મકાન માલીક અજીતભાઈ પણ આવી ગયા હતા. તેણે નટુ અને તેના પુત્રને સમજાવટ કરતા બંને ત્યાંથી જતાં રહ્યા બાદ થોડી વાર પછી અન્ય એક શખ્સ સાથે ઘસી આવ્યા હતા.
બંનેના હાથમાં તે વખતે લોખંડના સળિયા હતા. જયારે અજાણ્યા શખ્સના હાથમાં ખંપારો હતો. આવીને આરોપીઓએ તેના ભાઈ રવિ ઉપર સળિયા વડે હુમલો કર્યો હતો. જેથી તે અને તેનો ભાઈ હિરેન વચ્ચે પડતાં અજાણ્યા શખ્સે તેના માથામાં ખંપારાનો ઘા ઝીંકી દીધો હતો. જેથી તે લોહીલુહાણ થઈ ત્યાં પટકાઈ ગયો હતો. ત્યારબાદ તેના ભાઈ હિરેન અને રવિને નટુ અને તેના પુત્રએ લોખંડના સળિયાના આડેધડ ઘા ઝીંકયા હતા. એટલું જ નહીં નટુએ છરી કાઢી તેના ભાઈ રવિને તેના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ થઈ પડી ગયો હતો. તેના ભાઈ હિરેનને પણ છરીના ઘા ઝીંકી દેતાં તે પણ લોહીલુહાણ હાલતમાં પટકાઈ ગયો હતો. આ પછી ત્રણેય આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.
તે બોલેરો પીકઅપમાં બંને ઘાયલ ભાઈઓને લઈ હળવદ અને ત્યાંથી મોરબીની હોસ્પિટલ પહોંચ્યો હતો. જયાંથી બંને ભાઈઓને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ લઈ આવ્યો હતો. જયાં તબીબે તેના ભાઈ રવિને મૃત જાહેર કર્યો હતો. જયારે તેના ભાઈ હિરેનની સારવાર શરૂ કરી હતી. હળવદ પોલીસે આ ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનાઈત કાવતરૂ, હત્યા, હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.
હત્યાનો ભોગ બનનાર રવિને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે. તેના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. તેના પિતા ખેતીકામ સાથે કરિયાણાની દુકાન પણ ધરાવે છે.