મકરસંક્રાંતિના અવસરે સ્વાદરસિકો લાખો રૂપીયાનું ઉંધીયુ ઝાપટી જશે
- ગોહિલવાડમાં ઠેર-ઠેર વેચાણકેન્દ્રો ખડા કરાશે
- મોટા ભાગના ઘરે રસોડે તાળા હોય પરિવારજનો ઉંધીયુ, પુરી સહિતની ખાદ્યસામગ્રીઓ રેડીમેડ મંગાવવાના મૂડમાં
સામાન્ય રીતે શનિવારે અને રવિવારે તેમજ તહેવારોમાં મોટા ભાગના રસોડે અલીગઢી તાળા હોય છે. તે જ રીતે ખીહરમાં પરિવારજનો અગાશી, ધાબા કે છાપરાઓ પર પતંગપર્વની મોજ માણતા હોય છે ત્યારે મોટા ભાગના પરિવારો પણ બહારથી તૈયાર ઉંધીયુ પુરી સહિતની ખાદ્યસામગ્રીઓ મંગાવવાના મૂડમાં હોય છે. રાજયના અન્ય મહાનગરોની જેમ ભાવનગરમાં પણ વર્ષોથી શરદપુર્ણિમા સહિતના નામી તહેવારોની જેમ ઉત્તરાયણના દિવસે પણ ઘેર-ઘેર ઉંધીયાની પાર્ટી થશે.શહેરના નામી અનામી મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ, રસોયા અને કેટરર્સ દ્વારા ખીયરના પર્વે ખાસ કિસ્સામાં જાહેર સ્થળોએ મંડપ કે સ્ટોલ ખડા કરાશે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ તો ચાપડી ઉંધીયુ અથવા માટલા ઉંધીયુ જયારે ભાવનગરમાં કપોળશાહી અને જૈન ઉંધીયુ પણ ધૂમ વેચાય છે.એક કિલો ઉંધીયાનો ભાવ માલ અને ગુણવત્તા મુજબ અંદાજે રૂા ૨૫૦ આસપાસથી શરૂ થાય છે. જો કે, આ વર્ષે ખાદ્યતેલ, રાંધણગેસ,લીલા શાકભાજી અને આવશ્યક મરી મસાલાઓ મોંઘા બન્યા છે તેમજ કારીગરોની મજુરી અને ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધ્યા હોય ઉંધીયાના ભાવ વધ્યા છે તેમ છતા સ્વાદના શોખીન ભાવનગરવાસીઓમાં ચટાકેદાર ઉંધીયાની ડિમાન્ડમાં જરાય ઘટાડો થયો નથી. મકરસંક્રાંતિના પર્વે ઉંધીયાનુ ટર્નઓવર અન્ય વાનગીઓના વેચાણને પણ પાડી દે તેવુ હોય છે.
મકરસંક્રાંતિના પર્વે ઠાકોરજીને ખીચડો ધરવાનું અનન્ય મહાત્મ્ય
ગોહિલવાડની પુષ્ટિમાર્ગીય હવેલીઓ, વૈષ્ણવ મંદિરો તેમજ ધર્મસ્થાનકોમાં ઠાકોરજીને ધનુર્માસના અંતિમ દિવસોમાં મરી મસાલાઓથી ભરપૂર ગળ્યો અને તીખો જુવાર, ચોખા, મગ, બાજરી, અડદ, ચણા અને ચણાદાળનો સાત ધાનના ખીચડાનો પ્રસાદ (ભોગ) ભગવાનને ભાવપુર્વક ધરાઈ રહ્યો છે. આ સાથે પતંગરસિકો મન મુકીને ઉત્તરાયણનું એનર્જી, પ્રોટીન અને મીનરલ્સના ખજાના સમાન તલસાંકળી અને ચીક્કી, ઉંધીયુ અને સાતધાનનો ખીચડો આરોગશે.ખીયર પહેલા ચૌદસના દિવસે ભોગી ઉત્સવ અને સંક્રાંતના રોજ અનુક્રમે ઠાકોરજીને ખારો અને મીઠો ખીચડો ધરાય છે. સાત ધાનમાં કઠોળ તથા અડદ શકિતવર્ધક છે. શિયાળામાં પાચન શકિતને સતેજ કરવામાં આ ખીચડો પણ મહત્વનો ભાગ ભજવે છે.