રાજકોટમાં ઢોર પકડતા 6 કર્મચારીઓ પર હુમલો,3ને ઈજા, 7 વિરુધ્ધ નોંધાતો ગુનો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
રાજકોટમાં ઢોર પકડતા 6 કર્મચારીઓ પર હુમલો,3ને ઈજા, 7 વિરુધ્ધ નોંધાતો ગુનો 1 - image


ગાંધીગ્રામના ગૌતમ નગર વિસ્તારમાં ઝપાઝપી વિડીયોમાં કેદ 

મનપાની ટીમ આવતી જોઈ રસ્તે રઝળાવાતી ગાયો ઘરમાં પૂરી દઈને  એક કર્મચારીનો નખ ભરાવી શર્ટ ફાડી નાંખ્યો,અન્યોને ઝાપટો મારી 

રાજકોટ: રાજકોટમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રઝળતા ઢોર પકડવાની  કામગીરી થતી હોવા છતાં મનપાની ટીમ પર છાશવારે હુમલા થતા રહ્યા છે ત્યારે આજે ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા વાળા રોડ ઉપર ગૌતમનગર શેરી નં.૪માં રસ્તે રઝળાવાતી ચાર ગાયોને ડબ્બે પૂરવા કામગીરી થતા જ  પકડાયેલ ઢોરને છોડાવવા ઝપાઝપી દરમિયાન મનપાના પોલીસ-કર્મચારી સ્ટાફ ઉપર માલધારીઓના ટોળા એ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અર્ધો ડઝન કર્મચારીઓ પર હુમલામાં ત્રણ કર્મચારીઓને ઈજા પહોંચતા આ અંગે પોલીસમાં સાત શખ્સો વિરુધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે. 

મનપાના ઢોર ત્રાસ નિયંત્રણ અધિકારી જાકાસણીયાએ જણાવ્યા મૂજબ  ગૌતમનગર-૪માં રસ્તા પર રઝળતી ગાયો પકડવાની કામગીરી હાથ ધરાતા માલધારી મહિલાઓ,પુરુષોએ ધસી આવીને ઉગ્ર ઝપાઝપી કરી હતી, ત્રણ ગાયોને બળજબરીપૂર્વક પકડવા નહીં દઈ ઘરમાં પૂરી દીધી હતી અને એકને પકડવામાં આવી છે. આ અંગે માલધારી આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું કે મનપાનો સ્ટાફ બળજબરી કરી રસ્તા પર નડતરરૂપ ન હોય તેવી ગાયોને શેરીમાં જઈને પકડે છે અને તે વિડીયોમાં પણ દેખાય છે જે અંગે મનપાએ જણાવ્યું કે કોઈ પણ ગાય રસ્તા કે શેરીમાં છૂટી મુકી શકાતી નથી. 

આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મનપાના લાઈવસ્ટોક ઈન્સપેક્ટર પ્રફુલસિંહ નારણસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ અન્ય કર્મચારીઓ, એસ.આર.પી.જવાનો સાથે ઢોર પકડતા હતા ત્યારે ગૌતમનગર-૪માં ત્રણ ગાયોને પકડીને ટ્રેક્ટર ટ્રોલીમાં ચડાવતા હતા ત્યારે ચાર મહિલા,ત્રણ પુરુષ શખ્સો ધસી આવી બળજબરીથી આ ઢોર છોડાવી ગયેલ હતા અને આ દરમિયાન ફરિયાદીને જમણા હાથમાં, ભાવેશભાઈ સોલંકીને નખોડીયા ભરાવીને શર્ટ ફાડી નાંખ્યો હતો. ચિરાગભાઈને ઝાપટો મારી હતી, મનસુખભાઈ દાફડાને પેટના ભાગે પાટા માર્યા હતા, બીપીન ધોળકીયાની આંગળી મરડી નાંખી અને હિતેષભાઈને વાંસામાં ઝાપટ મારી હતી. પોલીસે આઈ.પી.સી.ક.૧૪૩,૧૪૭,૧૮૬,૩૩૨, ૪૨૭ હેઠળ (૧) મિહીર વશરામ મીર (૨) બે પુરુષ શખ્સો (૩) ચાર મહિલાઓ સહિત ૭ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. 

આ સમગ્ર ઘટનાનું મનપાની ટીમ દ્વારા વિડીયો રેકોર્ડીંગ પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ સ્થળે ઢોર પકડાય ત્યારે સાથે વિડીયો રેકોર્ડીંગ સતત કરવાનું મનપાએ ઘણા સમયથી શરુ કર્યું છે. 

નોંધણી વગરના ૭૫ ટકા ઢોરમાં પકડાય તો નહીં છોડવાનો નિયમ

રાજકોટ: રાજકોટમાં કૂલ અંદાજે ૧૩ હજાર ઢોર છે જેમાં માત્ર ૨૯૦૦ ઢોર ૨૮૫ માલધારી પરિવારોએ નોંધણી કરાવી છે. મનપા સૂત્રોએ જણાવ્યું કે માત્ર નોંધાયેલા ઢોર જ દંડ વસુલીને છોડાય છે અને આ ઢોર પણ રસ્તા-શેરીમાં રાખી શકાતા નથી. નોંધણી વગરના ઢોર પકડાય તો તેને દંડ વસુલીને પણ છોડવામાં નથી આવતા નથી. નિયમોનુસાર દરેક ઢોર માલધારીઓએ એક સ્થળે રાખવાના હોય છે અને શેરીમાં પણ છૂટા મુકી શકાતા નથી. 


Google NewsGoogle News