રાજકોટમાં ધો.૧૧ની છાત્રા પર દૂષ્કર્મ, આરોપીની ધરપકડ
વાલી જગત માટે લાલબત્તીરૂપ કિસ્સો
છાત્રા ઘરેથી સ્કૂલે જવા નીકળતી પરંતુ સ્કૂલે પહોંચતી ન હોવાથી સ્કૂલ ટીચરે વાલીઓને બોલાવતા ભાંડો ફૂટયો
રાજકોટ: રાજકોટમાં વાલીઓ માટે લાલબત્તીરૂપ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધો.૧૧માં અભ્યાસ કરતી એક છાત્રા ઘરેથી સ્કૂલે જવા માટે નીકળી જતી હતી. પરંતુ સ્કૂલે પહોંચતી નહી હોવાથી સ્કૂલ ટીચરે વાલીઓને બોલાવતાં છાત્રાનું આરોપી દિવ્યેશ જીતુભાઈ આસોદરિયા (ઉ.વ.ર૩, રહે. અભીરામ પાર્ક શેરી નં.ર, મોરબી રોડ, મૂળ ખેરડી, તા. રાજકોટ)એ શારીરિક શોષણ કર્યાનું બહાર આવ્યું હતું. જેના આધારે બી-ડિવીઝન પોલીસે અપહરણ, દૂષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ભોગ બનનાર છાત્રાના પિતાએ પોલીસને જણાવ્યું કે તેની પુત્રીના સ્કૂલ ટીચરે સ્કૂલે બોલાવતાં પત્ની, પુત્રી સાથે ત્યાં પહોંચ્યા હતા. તે વખતે સ્કૂલ ટીચરે કહ્યું કે તમારી દિકરી હમણાંથી કેમ સ્કૂલે આવતી નથી. જેથી સાથે રહેલી પુત્રીને પૂછતાં કહ્યું કે આરોપી તેને છેલ્લા કેટલાક સમયથી હેરાન કરે છે. તેને ખરાબ ઈશારા પણ કરે છે.
દોઢેક માસ પહેલાં બપોરે તે ઘરેથી સ્કૂલ જતી હતી ત્યારે રસ્તામાં આરોપી એક કાર લઈને આવ્યો હતો. જેમાં તેને બેસાડી બસ સ્ટેશન પાસે આવેલી હોટલમાં લઈ ગયો હતો. જયાં તેની મરજી વિરૂધ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ચાર-પાંચ વખત આ જ હોટલમાં તેની સાથે મરજી વિરૂધ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો.
એટલું જ નહીં જો આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં કોઈને જાણ કરી ન હતી. બી-ડિવીઝનના પીઆઈ એસ.એમ. જાડેજાએ તત્કાળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ગેરેજ ધરાવે છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.