ઉપલેટા પંથકમાં વૃક્ષારોપણને બદલે વૃક્ષોનું આડેધડ છેદન કરવાનું કૌભાંડ
જેતપુરમાં દરરોજ ઠલવાતો લાખો રૂા.નો લાકડાનો જથ્થો શંકાસ્પદ
ડાઇંગ ઉદ્યોગમાં બળતણ માટે પહોંચાડવામાં આવતા લાકડાની ગેરકાયદે હેરાફેરી સામે સતાધીશોની ચુપકિદીઃ લાકડુ કાપવાની મંજુરીના મુદ્દે ઉઠતા સવાલ
જેતપુર: સરકાર દ્વારા મોટા મોટા તાયફા કરી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જવાબદાર તંત્રના મેળાપીપણાથી દિવસ રાત લીલા વૃક્ષોનું નિકંદન કરી કાળો કારોબાર કરતા ઈસમો બેફામ બન્યા છે. ત્યારે જેતપુરના સાડી કારખાનામાં લિગ્નાઇટ કોલસો ના વપરાશ પર પાબંધી આવ્યા બાદ અહીંના તમામ સાડી કારખાનાઓમાં બાયોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વાત સમસ્ત સાડી ઉદ્યોગ માટે સારી છે. પરંતુ અહીંના મોટાભાગના સાડી કારખાનામાં પહોંચતું વૃક્ષનું લાકડું ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે.
જેતપુરમાં રાત-દિવસ રોડ પર બિન્દાસ પણે કોઈ ડર વિના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી વૃક્ષો કાપીને જોખમી રીતે ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું છે. છતાંપણ જવાબદાર તંત્ર મુકબધીર બની જતું હોય તેમ પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે. ગેરકાયદેસર લાકડા ભરીને વાહનો ઠલવાઈ રહ્યા છે. ઉપલેટા તેમજ તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. વૃક્ષોનું લાકડું રાત-દિવસ રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે. જેના કારણે અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે. લાકડાઓ ટ્રક અને આઇસર જેવા વાહનોમાં ઓવરલોડ ભરી હેરાફેરી થઈ રહી છે.
જાણવા મળતી સચોટ માહિતી મુજબ ઉપલેટા પંથકમાં અંદાજે ગેરકાયદેસર ૩૦ જેટલી જગ્યાએ ગેરકાયદેસર રીતે જેમની પાસે સો મિલનું લાઇસન્સ નથી તેવા લાકડા કટીંગ કરી રહ્યા છે તેમજ જથ્થો એકત્ર કરી વહેચી રહ્યા છે.ઉપલેટા પંથકમાં ફક્ત ૫ જેટલાજ સો મિલને લાઇસન્સ મળેલ છે.જ્યારે ૩૦ થી વધુ ગેરકાદેસર રીતે લાકડા કટીંગ કરી જેતપુર તેમજ આજુબાજુના ઉદ્યોગમાં ઉપોયગ માટે કાળાબજારીઓ વહેંચાણ કરી રહ્યા છે.એવી પણ જાણકારી મળી છે
ઉપલેટાના કોલકી ગામમાં પેટ્રોલ પંપ પાસે તો, વરજાંગ જાળીયામાં હાઇવે રોડની બાજુમાં જ્યારે પાનેલી, ખરચિયા તેમજ ઉપલેટામાં જીઆઇડીસી અને ચમાર વાસ જેવા અનેક વિસ્તારોમાંથી ગેર કાયદેસર રીતે લાકડા કટીંગ કરી જેતપુર ડાઇંગ ઉદ્યોગમાં પહોચાડવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય સરકાર અને પર્યાવરણ વિભાગ દ્વારા ૧૯૯૮ થી કાયદેસર રીતે સો મીલ લાઇસન્સ બંધ કરવામાં આવેલ છે. જેથી લાઇસન્સ મળવું જ મુશ્કેલી ભર્યું છે તો આવા ગેર કાયદેસર રીતે લાકડા કટિંગની સો મિલની મંજૂરી તેમજ જેમાં ઉપયોગમાં આવતી લાકડા કાપવાની સાધનોની મંજૂરી કોણે આપી તે એક ચર્ચાનો મુદ્દો છે.
સરકાર દ્વારા આપવામાં આવેલ ૧૯૯૮ પહેલાથી ચાલતી લાતીઓ કે શો મીલ લાઇસન્સ ધારકોને સરકારી તેમજ ફોરેસ્ટ વિભાગની પ્રક્રિયામાંથી પ્રચાર થવું પડતું હોય છે તેમજ તમામ પ્રકારનો વ્યવહાર તેમજ જીએસટી બિલથી લકડાઓનું વહેંચણ કરતા હોય જેમના બિલો તેમજ રજીસ્ટર નિભાવવું પડતું હોય છે.જેથી કાયદેસર રીતે સો મીલ લાઇસન્સ ધારકો લાકડાઓનો મણનો ભાવ ૧૦૦ થી ૧૧૦ આસપાસ વહેંચણ કરતા હોય છે.જ્યારે ગેરકાયદેર રીતે ચલાવતા ઈસમો ફકત ૭૦ થી ૮૦ રૂપિયામાં સ્થળ પર લાકડા પહોંચતા કરે છે.