ફટાકડાં બાબતે મામાના પુત્રના ઝગડામાં વચ્ચે પડેલા યુવકની હત્યા
- રાજકોટમાં દિવાળીની રાત્રે લોહી રેડાયું પાંજરાપોળમાં રહેતા ત્રણ આરોપીઓએ છરીનો એક જ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો, ત્રણેય આરોપીઓની અટકાયત
રાજકોટ : રાજકોટમાં દિવાળીની રાત્રે લોહી રેડાયું હતું. મામાના પુત્રને ફટાકડા ફોડવા બાબતે મામાના પુત્રને થયેલા ઝગડામાં વચ્ચે પડેલા યુવાનની છરીનો એક જ ઘા ઝીંકી હત્યા નિપજાવાઈ હતી. બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
હત્યાનો ભોગ બનનાર સાગર અમરાભાઈ ઉર્ફે ધનરાજભાઈ રાજૈયા (ઉ.વ.રપ) મોરબી રોડ પરના સેટેલાઈટ ચોકમાં આવેલી સિલ્વર સોસાયટી શેરી નં.પમાં રહેતો હતો અને મજુરી કરતો હતો. તેના મામાનો પુત્ર કમલેશ રામભાઈ ખાતરા પાંજરાપોળ શેરી નં.૭માં રહે છે. કમલેશ ગઈકાલે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ ચોકમાં ફટાકડા ફોડતો હતો ત્યારે પાડોશમાં રહેતાં આરોપીઓ શુભમ ઉર્ફે સુબો પ્રવિણ રીબડીયા, તેના ભાઈ કરણ ઉપરાંત કરણ મહેન્દ્રભાઈ ઝીંજુવાડીયાએ ફટાકડા ફોડવાની ના પાડતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે તત્કાળ સમાધાન પણ થઈ ગયું હતું. ત્રણેય આરોપીઓને સાગર ઓળખતો હોવાથી જાણ થતાં તે મિત્ર આકાશ વાઘેલા સાથે બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો અને ત્રણેય આરોપીઓને સમજાવટ કરતા કહ્યું કે તમે પાડોશી થઈને કેમ ઝગડો છો. આ વાત સાંભળી શુભમ રોષે ભરાયો હતો. તેણે કહ્યું કે તું અમને કહેવાવાળો કોણ, તારે આ મેટરમાં વચ્ચે પડવું નહીં.
ત્યારબાદ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. જેથી સાગરે તેને ગાળો ભાંડવાની ના પાડતા બંને કરણ નામના આરોપીઓએ સાગરને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં તેને મજબુત રીતે પકડી રાખ્યા બાદ શુભમે પેન્ટના નેફામાંથી છરી કાઢી તેનો એક ઘા સાગરના પેટના ડાબી બાજુના ભાગે ઝીંકી દેતાં અંદરના અવયવો બહાર નીકળી ગયા હતા.
દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા. તત્કાળ ૧૦૮ને બોલાવાઈ હતી. પરંતુ તેને આવવામાં વાર લાગતા બે મિત્રો સાગરને બાઈક વચ્ચે બેસાડી લોહી નિંગળતી હાલતમાં સિવીલ લઈ ગયા હતા. જયાં ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો.
જાણ થતા બી-ડિવીઝન પોલીસ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે હત્યાનો ભોગ બનનાર સાગરના ભાઈ જયદેવ (ઉ.વ.રપ)ની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યા બાદ દોડધામ કરી ઝડપી લીધા હતા.