ગરબીમાં ઘૂસી જઇ ગરબા રમનાર યુવકનો છરી વડે હુમલો
નાનામવાના દાસી જીવણપરામાં યોજાતી ગરબીમાં બનેલી ઘટના
આયોજકે માઇક ધીમું કરતાં ગાળાગાળી કર્યા બાદ પિતરાઇને સાથે લઇ આવી હુમલો કર્યો, બંને આરોપીની ધરપકડ
રાજકોટ: નાનામવા મેઇન રોડ પર દાસી જીવણપરા શેરી નં. ૩માં યોજાતી ગરબીમાં ગઇકાલે એક શખ્સ ચાલુ રાસે ઘૂસી ગયો હતો અને ગરબા રમવાનું શરૂ કરતાં બાળાઓ ગભરાઇ ગઇ હતી. જેના પગલે આયોજકે સ્પીકરનું વોલ્યુમ ઓછુ કરતા ઉશ્કેરાઇ જઇ તે શખ્સે છરી વડે હુમલો અને મારકૂટ કરી હતી. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તે શખ્સ અને તેના પિતરાઇની ધરપકડ કરી છે.
દાસી જીવણપરા શેરી નં. ૩માં રહેતા સુનિલભાઇ મુળજીભાઈ બગડા (ઉ.વ.૪૮) કારખાનામાં મજૂરી કરે છે. છેલ્લા ૩૦ વર્ષથી ઘર નજીક ગરબીનું આયોજન કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇકાલે રાત્રે ગરબીમાં બાળાઓ રાસ રમતી હતી ત્યારે શેરીમાં રહેતો વિશાલ પરસોત્તમ પરમાર અચાનક ઘૂસી આવ્યો હતો અને ગરબા રમવાનું શરૂ કરતાં તત્કાળ તેણે સ્પીકરનું વોલ્યુમ ધીમું કરી નાખ્યું હતું. જેને કારણે ઉશ્કેરાઇ જઇ વિશાલે ગાળાગાળી શરૂ કરી તેને પાટુ મારવાનો પ્રયાસ કરતાં દૂર ખસી ગયો હતો.
તેવામાં ત્યાં પાડોશીઓ આવી વિશાલને પકડી દૂર લઇ ગયા હતા. થોડીવાર બાદ વિશાલ ઘરે જતો રહ્યો હતો અને બાજુમાં રહેતા પિતરાઇ દિવ્યેશ પરમાર સાથે ફરીથી ગરબીમાં ધસી આવ્યા બાદ તેના ભત્રીજા હિરેન બગડાને છાતી, જમણા પગના સાથળ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે દિવ્યેશે પણ હિરેન ઉપરાંત સાધનાબેનને મારકૂટ કરી હતી. તેના બીજા ભત્રીજા વહુ પુષ્પાબેન બગડા વચ્ચે પડતા તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો.
આખરે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરતાં પીસીઆર આવી હતી. તેના ભત્રીજા અને બંને ભત્રીજા વહુને ઇજા થતાં સારવાર માટે મોકલ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માલવિયાનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.