પાલીતાણા શહેરની વધુ બે ધર્મશાળાઓને નોટીસ ફટકારાઈ
ફાયર એન.ઓ.સી.ને લઈને તંત્રવાહકો એલર્ટ બન્યા
ગત સપ્તાહમાં નોટીસ અપાયેલી ૧૦ ધર્મશાળાઓમાં ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરાઈ
પાલિતાણા: પાલિતાણા શહેરમાં આવેલી ધર્મશાળાઓમાં ફાયર એન.ઓ.સી.ને લઈને રિઝનલ ફાયર ઓફિસર અને ટીમ દ્વારા વધુ બે ધર્મશાળાઓને નોટીસ ફટકારવામાં આવી હતી. આ અગાઉ અત્રેની ૧૦ ધર્મશાળાઓને નોટીસ આપવામાં આવી હતી.
પાલીતાણામાં હાલ જૈન સમાજ દ્વારા ચાતુર્માસ આરાધના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં આરાધકો આવ્યા હોય જેમાં આરાધકોની સંખ્યાને ધ્યાનમાં લઇ મંડપ અને ડોમ માટે ખુલ્લી જગ્યામાં બાંધવા માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરાયા હોય જેમાં કોઈ આગની ઘટના બને તો તેને ખાળવા માટે ફાયર અધિકારીના માર્ગદર્શન હેઠળ દરેક ચાતુર્માસ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અમુક સ્ટ્રક્ચર પર જરૂરી ફાયરના બાટલા હતા. જયા તે ન હતા ત્યાં નોટિસ પાઠવી તાત્કાલિક ફાયર બાટલા ૨ કિ.મી. થી ૫ કિ.મી.સુધીના અમુક અંતરે ડોમ મંડપમાં ગોઠવવા ભાવનગર તેમજ પાલીતાણાના ફાયર અધિકારીએ જરૂરી સૂચન કરી લેખિત નોટિસ પાઠવી હતી. જેમાં મળતી માહિતી અનુસાર ગત તા.૧૨-૭ ના રોજ પાલીતાણા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવે ૧૦ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં તળેટી રોડ પર આવેલ સમદડી ભવન, પારણાં ભવન, જાલોરી ભવન, જેતાવાડા ધર્મશાળાની સામે ડોમમાં, ચેન્નઈ ભવન, અંકીબાઈ ધર્મશાળા, સૌધર્મ ધર્મશાળા, મહારાષ્ટ્ર ભવન, કસ્તુરધામ, બનાસકાંઠા ધર્મશાળા તે ઉપરાંત આજે વધુ બે ધર્મશાળાઓને નોટિસ ફટકારવામાં આવેલ જેમાં સુણતર ભવન, અને સાદડી ભવનનો પણ સમાવેશ થાય છે, જેમાં આજે ભાવનગરથી રીઝનલ ફાયર ઓફિસર પ્રવીણ શારશ્વત તેમજ પાલીતાણાના ફાયર ટીમ સાથે ચાતુર્માસ સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી જેમાં આજે પણ નોટિસ આપેલ સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી.