એક કા ડબલ નહીં, 10 ગણા : શહેરના કુમુદવાડીમાંથી ઓનલાઈન જૂગાર રમતા 11 ગેમ્બલરો ઝડપાયા
- ડિઝીટલ યુગની પરાકાષ્ઠાઃ ઓનલાઈન યંત્રોના વેચાણના બ્હાને ચાલતી દુકાનમાં યંત્રો મારફતે રમાડાતો હતો જૂગાર
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યરાત્રિએ દરોડો પાડી જૂગાર રમાડતા શખસ સહિત એક ડઝન ઈસમોને રોકડા રૂ. 2.45 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા : 12 પૈકી 9 નો ઇતિહાસ ગુન્હાહીત : જૂનાગઢના ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન
આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર રેન્જ આઈજીના માર્ગદર્શન અને ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગત મધ્યરાત્રિએ પેટ્રોલિંગમાં હતી. તે વેળાએ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે, શહેરના કુમુદવાડી,માલધારી સોસાયટીમાં આવેલ ફિટરના ડેલા ની સામેના ભાગે આવેલ કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દુકાનમાં એચ.એસ.માર્કેટીંગ નામની ફ્રેન્ચાઇઝીમાં વિજય છગનભાઇ ગોલાણીયા (રહે.મહેશ્વરી સોસાયટી,ચિત્રા,ભાવનગર) બહારથી માણસોને બોલાવી દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને જીતેલી રોકડ રકમને બદલે દસ ગણી રોકડ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારિત ઓનલાઈન જૂગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી જૂગાર રમાડતા ઉક્ત શખસ ઉપરાંત, જૂગાર રમતા કૌશિક મુળદાસભાઇ ગોંડલીયા (ઉ.વ. ૩૨ ધંધો-કોમ્પ્યુટર ઓપરેટર રહે.ગવર્નમેન્ટ કવાર્ટર,શંકર મંદિરની બાજુમાં, જેલ પાછળ,ભાવનગર), ભુપત લાખાભાઇ રાઠોડ (ઉ.વ.૪૯ ધંધો-રી.ડ્રા. રહે.મફતનગર, ખોડિયાર ચોક, બોરતળાવ, ગણેશ સોસાયટી-૦૨ પાછળ, ભાવનગર),જયેશ ગોરધનભાઇ ટેભાણી (ઉ.વ.૨૭ ધંધો-રત્ન કલાકર, રહે.મફતનગર, ખોડિયાર ચોક, બોરતળાવ, ગણેશ સોસાયટી-૦૨ પાછળ, ભાવનગર), નિલેશ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૨૮ ધંધો-રત્ન કલાકર રહે.મફતનગર, ખોડિયાર ચોક, બોરતળાવ, ગણેશ સોસાયટી-૦૨ પાછળ, ભાવનગર), ઘનશ્યામ જીણાભાઇ ચૌહાણ (ઉ.વ.૨૯ ધંધો-રત્ન કલાકર, રહે.પુરબિયા શેરી, દામનગર તા.લાઠી જી.અમરેલી), રૂપેશ જીવરાજભાઇ બારૈયા (ઉ.વ.૪૪ ધંધો-રત્ન કલાકર,રહે.પ્લોટ નંબર-૮૩/બી, અમર સોસાયટી, કુંભારવાડા, ભાવનગર), મહેન્દ્દ ઉર્ફે ટકી જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૨૬ ધંધો-રત્ન કલાકર, રહે.મફતનગર, ખોડિયાર ચોક, બોરતળાવ, ગણેશ સોસાયટી-૦૨ પાછળ, ભાવનગર), મહેન્દ્દ દશરથભાઇ ખસીયા (ઉ.વ.૨૧ ધંધો-રત્ન કલાકર, રહે.મફતનગર, ખોડિયાર ચોક, બોરતળાવ, ગણેશ સોસાયટી-૦૨ પાછળ, ભાવનગર), શંભુ રસાભાઇ શિયાળ (ઉ.વ.૩૩ ધંધો-રત્ન કલાકર,રહે.ભોળાભાઇ રબારીના મકાનમાં,પંચવટી, ફિટરના ડેલા પાસે,કુમુદ વાડી,ભાવનગર મુળ-બગદાણા તા.મહુવા જી.ભાવનગર), સાગર ઉર્ફે મહેશ પ્રતાપભાઇ જાંબુકીયા (ઉ.વ.૨૬ ધંધો-રત્ન કલાકર, રહે.મફતનગર, ખોડિયાર ચોક, બોરતળાવ, ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર) તથા હરેશ ઉર્ફે વિજય ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૨૬ ધંધો-કડિયાકામ રહે.મફતનગર,ખોડિયાર ચોક, બોરતળાવ, ગણેશ સોસાયટી-૦૨ પાછળ, ભાવનગર)ને રોકડ રૂ.૩૦,૩૬૨, એલઈડી, સીપીયુ, માઉસ, વાઈ ફાઈ રાઉટર , વિવિધ યંત્ર સહિત કુલ રૂ.રૂ.૨,૪૫,૩૬૨ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઓનલાઈન જૂગારમાં જૂનાગઢનીએચ.એસ.ઓનલાઇન માર્કેટીંગ પ્રા.લી.ના માલિક રજની વલ્લભભાઇ પટેલનું નામ પણં ખુલ્યું હતું. પોલીસે ઝડપી પાડેલાં સહિત કુલ ૧૩ વિરૂદ્ધ જૂગારધારાની કલમ અન્વયે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો હતો અને જૂનાગઢના ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના હાથે ઝડપાયેલાં ઓનલાઈન જૂગારમાં ઝડપાયેલાં ૧૨ પૈકી ઘનશ્યામ ચૌહાણ, રૂપેશ બારૈયા અને મહેન્દ્ર ખસિયા સિવાયના તમામ ૯ ગેમ્બલરોનો ઈતિહાસ ગુન્હાહીત હોવાનું ખુલ્યું છે.
અલગ-અલગ યંત્ર ઉપર રૂ. 11 થી રૂ. 55 લગાડાતા હતા, યંત્ર દર 5 મીનીટે ઓનલાઇન વિજેતા જાહેર કરતું
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન જૂગારની મોડસ ઓપરેન્ડી અંગે વિગત આપતાં જણાવ્યું કે, શહેરના કુમુદવાડી માલધારી સોસાયટીમાં આવેલ ફિટરના ડેલાની સામેના ભાગે આવેલ કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ એચ.એસ.માર્કેટીંગ નામથી ફ્રેન્ચાઇઝી ચાલી રહી હતી. જેમાં ઓનલાઇન યંત્રોનું વેચાણ કરવાના બહાને દુકાનમાં ઓનલાઇન યંત્રોના ચિત્રો બતાવવામાં આવતા હતા. જેમાં ગ્રાહક રૂ.૧૧, રૂ.૨૨, રૂ.૩૩, રૂ.૪૪, રૂ.૫૫ એમ અલગ-અલગ યંત્ર ઉપર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે યંત્રોમાંથી કોઇ એક યંત્ર દર પાંચ મીનીટે ઓનલાઇન વિજેતા જાહેર કરતું હતું.જેથી જે ગ્રાહક વિજેતા થાય તેને તેણે લગાડેલ રૂપિયાની સામે નવ ગણા રૂપિયા એટલે કે તેણે રૂ.૧૧ લગાડયા હોય તે ઉપરાંત નવ ગણા એટલે કે મૂળ રકમ ઉપરાંત વધરાના રૂ.૯૯ પરત આપવામાં આવતા હતા. તો બીજી તરફ અન્ય ગ્રાહકોએ લગાડેલ યંત્ર વિજેતા ન થાય તે જૂગારમાં હારી ગયાહોવાનું માની લેવામાં આવતું હતું.ઓનલાઈન જૂગારની આ મોડસ ઓપરેન્ડી જાણીનેે ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોકીં ઉઠયા હતા. જો કે, પોલીસના મતે આ એક પ્રકારનો વરલી મટકાના આંકડાને લગતો-મળતો જૂગાર હોવાનું જણાઈ આવ્યું હતું. કારણ કે, વરલી મટકાના જૂગારમાં આંકડા જાહેર થતા હોય છે. જયારે, આ જૂગારમાં યંત્રનું ચિત્ર વિજેતા થતું હોય છે.