Get The App

રસ્તાના વિવાદમાં ન્યાય ન મળતાં ખેડૂતે કલેક્ટર કચેરીમાં ઝેરી દવા ગટગટાવી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
રસ્તાના વિવાદમાં ન્યાય ન મળતાં ખેડૂતે કલેક્ટર કચેરીમાં ઝેરી દવા ગટગટાવી 1 - image


તળાજાના રાળગોન ગામે રહેતા ખેડૂતે પારિવારિક વિખવાદ બાબતે વારંવાર રજૂઆત કરી હતી

આત્મહત્યાનો પ્રયાસ કરનાર ખેડૂતને ગંભીર હાલતમાં સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડાયા ઃ ખેડૂતની હાલત ગંભીર

ભાવનગર: તળાજા તાલુકાના રાળગોન ગામના ખેડૂતને ભાઈ સાથે જમીન-રસ્તાના વિવાદમાં ચાલી રહેલા ઝઘડામાં ન્યાય ન મળતા તેમણે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવી ઝેરના પારખા કરતા ગંભીર હાલતમાં સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીમાં ખેડૂતના આપઘાતના પ્રયાસે ભારે ચકચાર મચાવી છે.

ભાવનગર શહેર સહિત જિલ્લામાં ચકચાર મચાવતી ઘટનાની મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના રાળગોન ગામે રહેતા ખેડૂત બાબુભાઈ કાળાભાઈ વળિયા (ઉ.વ.૬૨) અને તેમના ભાઈને બાજુ-બાજુમાં જમીન આવેલી હોય, જેથી રસ્તા બાબતે ઘણાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ બાબતે પ્રૌઢ ખેડૂતે જિલ્લા કલેક્ટર અને એસ.પી.ને અનેક વખત રજૂઆત કરવા છતાં ન્યાય મળતો ન હોવાથી આજે ગુરૂવારે બાબુભાઈ વળિયા ભાવનગર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને અહીં ન્યાય ન મળતા લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતને ગંભીર હાલતે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ખેડૂતની સારવાર હાલ શરૂ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. તો બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. આ અંગે તેમના સબંધીઓએ જણાવ્યું હતું કે, જમીનના વિવાદમાં છેલ્લા ઘણાં સમયથી ન્યાય માટે ઝઝૂમતા ખેડૂત આધેડે આખરે ઝેરના પરખા કર્યા હતા. 


Google NewsGoogle News