ઈરાનમાં મહિલા અધિકારો માટે સંઘર્ષ કરતાં નરગિસ મોહમ્મદીને શાંતિનું નોબેલ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ઈરાનમાં મહિલા અધિકારો માટે સંઘર્ષ કરતાં નરગિસ મોહમ્મદીને શાંતિનું નોબેલ 1 - image


હિજાબથી લઈને મહિલાઓને સર્વાંગી સમાનતા સહિતના મુદ્દે દાયકાઓથી સક્રિય

૫૧ વર્ષના નરગિસની ૧૩ વખત ધરપકડ થઈ, ૩૧ વર્ષ જેલમાં વીતાવ્યા ઃ  નોબેલની જાહેરાત થઈ ત્યારે પણ જેલમાં બંધ

તેહરાન: ઈરાનમાં મહિલા અધિકારો માટે લડત ચલાવતા મહિલા કાર્યકર નરગિસ મોહમ્મદીને ૨૦૨૩ના વર્ષનું શાંતિનું નોબેલ એનાયત થયું હતું. તેમણે મહિલાઓના અધિકારો માટે દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે. વિવિધ આરોપ હેઠળ તેમની ૧૩ વખત ધરપકડ કરવામાં આવી છે અને તેમણે ૩૧ વર્ષ જેલમાં વીતાવ્યા છે. નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ત્યારે પણ નરગિસ જેલમાં હતા. તેઓ અવરિત સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. ઈરાનમાં મહિલાના જીવનમાં સંઘર્ષ ઘટે, મહિલાઓને સમાનતા મળે તે માટે તેમણે દાયકાઓ પહેલાં ઝુંબેશ શરૂ કરી હતી. ૨૦૧૯માં તેમણે દેશવ્યાપી આંદોલન કર્યું હતું. ત્યારથી તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે.

નરગિસ મોહમ્મદી જેલમાં બંધ હોવા છતાં અખબારોના માધ્યમથી મહિલાઓમાં જાગરુકતા ફેલાવે છે. અખબારોમાં નિયમિત કોલમ લખીને તેમણે મહિલા અધિકારોના અલગ અલગ મુદ્દા ઉઠાવ્યા. ખાસ તો હિજાબથી લઈને બુરખા સુધીની બાબતોમાં તેમણે કેમ્પેઈન ચલાવ્યું છે. મહિલાઓને સમાનતા મળે તે માટે તેમણે એકથી વધુ વખત દેશભરમાં આંદોલન કર્યુ છે. તેઓને ઇરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે કરેલા પ્રયત્નો માટે, આ શાંતિ નોબેલ પ્રાઈઝ નોર્વેજિયન નોવેલ કમિટિએ જાહેર કર્યું છે. નોબેલ પ્રાઇઝ મેળવનારને એક મેડલ, એક ડીપ્લોમા અને ૧૧ મીલીયન સ્વીડીશ ક્રાઉનની રકમ મળે છે.

અત્યારે તેઓ તહેરાનની ખતરનાક મનાતી ઇવીન-જેલમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહ્યાં છેે. તેઓ ઉપર સરકાર વિરુધ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ છે. છેલ્લાં ૩૦ વર્ષમાં નરગીસ મોહમ્મદીને તેમનાં લેખન અને આંદોલન માટે અનેકવાર સજાઓ થઇ ચૂકી છે. તેઓને પાંચ વખત દોષિત ઠરાવવામાં આવ્યાં છે. ૧૩ વખત ધરપકડ પણ થઇ છે. આ દરમિયાન તેઓને કુલ ૩૧ વર્ષ જેલમાં રહેવું પડયું છે. અને કુલ મળી ૧૫૪ કોરડાની સજા પણ થઇ છે. તેમના પતિએ કહ્યું હતું કે તેમની ઉપર હજી બીજા ૩ કેસ પેન્ડિંગ છે. તેમાં તેમને વધુ સમયનો કારાવાસ પણ ભોગવવો પડશે.

તેમના પતિની વય ૬૩ વર્ષની છે. તેમનું નામ તગી રહેમાની છે. તેઓ પણ એક લેખક અને સામાજિક કાર્યકર છે. તેઓ ૧૪ વર્ષ કારાવાસ ભોગવી ચુક્યા છે ને અત્યારે ફ્રાંસમાં તેમનાં જોડીયાં બાળકો સાથે દેશવટો ભોગવે છે. વારંવાર થતી સજાઓને લીધે નરગીસ મોહમ્મદીને તેમનાં બાળકો અને કુટુમ્બીજનોથી દૂર જ રહેવું પડયું છે. 

નરગિસ મોહમ્મદીનો જન્મ જંજાલી સીટીમાં એક મધ્યમ વર્ગનાં કુટુમ્બમાં થયો હતો. પિતા ખેડૂત હતા. સાથે ભોજન બનાવવાનું કામ કરતા હતા. જો કે માતાનું કુટુંબ રાજકારણ સાથે જોડાયેલું હતું. ૧૯૭૯ની ઇસ્લામીક ક્રાંતિ સમયે તેમના મામા અને બે મામાના પુત્રોને ગિરફતાર કરાયા હતા. નરગીસ ન્યુક્લિયર ફીઝીક્સનો અભ્યાસ કરતાં હતાં ત્યારે કોલેજમાં જ તેમના પતિ સાથે મેળાપ થયો હતો. તેઓ મહિલા છાત્રા સંગઠન સાથે જોડાવા માગતાં હતાં પરંતુ તે ન થઇ શક્યું તેથી તેમણે પોતે જ સંગઠન બનાવ્યું અને એક મહિલા હાઈકીંગ ગુ્રપ તથા સિવિક એન્ગેજમેન્ટ ગુ્રપ રચ્યું હતું.



Google NewsGoogle News