બરવાળા તાલુકાના નવ ગામમાં આજ સુધી એસ.ટી. બસ આવી નથી
20મી સદીમાં પણ ઘણા ગામડા હજુ 18મી સદીમાં
વિદ્યાર્થી, યાત્રિકો, ગ્રામજનોને ના છુટકે બે-બે કિ.મી. ચાલી પ્રાઇવેટ વાહનનો આશરો લેવો પડે છે
બોટાદ: બરવાળા તાલુકામાં ૨૪ ગામડાઓ આવેલા છે. તેમાં મોટા ભાગના ગામડાઓ હાઇવે રોડ ઉપર આવેલા છે જ્યારે હાઇવેથી અંદર આવેલ ૫૦ ટકા ગામડાઓના લોકોએ પોતાના ગામમાં બહારગામ જવા માટે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે ત્યારે સરકાર દ્વારા ગામડાના વિકાસના બણગા ફુકી રહ્યા છે ત્યારે આ તાલુકાના ગામડા હજી અઢારમી સદીમા ચાલી રહી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ૨૪ ગામડાઓ અને ૨૨ ગ્રામ પંચાયતો આવેલી છે તેમાંથી ૯ ગામના લોકોએ પોતાના ગામમાં આજદિન સુધી એસ.ટી. બસ જોઇ નથી. જ્યારે ૪ ગામમાં દિવસ દરમિયાન માત્ર એકથી બે બસો આવે છે. જ્યારે ત્રણથી ચાર ગામડાના લોકોને એસ.ટી. બસમાં બેસવા માટે હાઇવે રોડ સુધી એક બે કિલોમીટર ચાલીને જવું પડે છે. આ ગામડાઓમાં પણ બસ ગામની અંદર આવતી નથી. હાઇવે ઉપર બારોબાર પીકપ સ્ટેન્ડ ઉપર ઉભી રહીને નીકળી જાય છે. આમ બરવાળા તાલુકાના ૫૦ ટકા ગામડાઓ આજે એકવીસમી સદીમા પણ એસ.ટી. બસો લોકોએ જોઇ નથી ત્યારે આ ગામડાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ન છુટકે પ્રાઇવેટ વાહનોમાં બેસી અભ્યાસ માટે જવું પડે છે. જ્યારે ગામડાના સરપંચોનો આ અંગે ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી એસ.ટી. બસમાં ફ્રીમાં પાસ કાઢી આપવામાં આવે છે પરંતુ જ્યાં બસ જ આવતી જ નથી ત્યાં આ ફ્રી પાસ સુવિધાનું શું કામ. ચાચરીયા, ટીંબલા, અંકેવાળીયા, રામપરા, કાપડીયાળી, ઢાઢોદર, રેફડા, શાહપુર અને વાઢેળા આ ગામના લોકોએ આજ સુધી તેમના ગામોમાં એસ.ટી. બસ આવતી જોઇ નથી. આ ગામડાની વસ્તી એક ગામમાં ૭૦૦૦ થી લઇને ૧૦૦૦૦ જેટલી છે. આટલી મોટી વસ્તી હોવા છતાં આ ગામડાઓમાં દિવસમાં એક પણ બસ આવતી ન હોવાથી લોકોને પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે. આ તાલુકાના ભીમનાથ, ખાંભડા, ટીંબણ અને વહીયા ગામ હાઇવે રોડથી એક બે કિલોમીટર અંદર આવેલા ગામ છે જેથી ન છુટકે હાઇવે રોડ સુધી એક બે કિલોમીટર ફરજીયાત ચાલીને જવું પડે છે. હાલમાં ૧૮મી સદી હોય તેમ તાલુકાના મોટાભાગના ગામડામાં આજે પણ વાહન વ્યવહારની સુવિધા નથી તો આ ગાડાઓમાં એસ.ટી.ની સુવિધા મળે તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.