નવી ઉર્જા તેમજ બુલંદ આત્મ વિશ્વાસ સાથે આજે નૂતન વર્ષના વધામણા કરાશે
- સર્વે ભવન્તુ સુખિન સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કથિત દુખ...
- ભૂતકાળની કડવી યાદો, નકારાત્મક વિચારોને એક બાજુ મુકીને ગોહિલવાડવાસીઓેએ અંધકારમાંથી પ્રકાશ તરફ જતા દિપોત્સવીની ઉજવણી કરી
સોમવારે ધોકા સાથે વિક્રમ સવંતનું ચાલુ વર્ષ વિદાય લઈ રહેલ છે. ગત વર્ષ દરમિયાન કડવી યાદો અને નકારાત્મક વિચારોને એક બાજુ મુકીને હિન્દુ પંચાગના અંતિમ દિવસ યાને આસો વદ અમાસની ગોહિલવાડમાં પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. આ અવસરે ચોતરફ ખુશાલીનું વાતાવરણ છવાયેલુ રહ્યુ હતુ. દિવાળીની રાત પડતાની સાથે જ ગોહિલવાડના ગગનમાં એક એકથી ચડીયાતા અવનવા ફટાકડાની મનોહર રંગોળીઓ સર્જાઈ હતી.આ સાથે ઉત્સાહના માહોલમાં લોકોએ પરસ્પર દિપોત્સવીની શુભકામનાની આપ-લે કરી હતી. દિવાળીની સાંજે સ્થાનિક બજારોમાં અને રહેણાંકીય સોસાયટીઓ, ધર્મસ્થાનકોએ રોશનીનો મનોહર શણગાર સર્જયો હતો. લોકોના ઘરના આંગણાઓ ચિત્તાકર્ષક રંગોળીઓ, દિવડાઓ અને લબુક ઝબુક રોશનીથી ઝળહળી ઉઠયા હતા. આ સાથે ધર્મસ્થાનકો તેમજ વ્યાપારી પેઢીઓમાં મંગલ મુર્હૂતે વેપારીઓએ તેમના ધંધા રોજગારની પ્રગતિ માટે પરંપરાગત રીતે ચોપડા પૂજન કર્યુ હતુ. દિવાળીના લક્ષ્મીપુજન અને ચોપડા પૂજનવિધિ કર્યા બાદ મોટા ભાગના વેપારીએકમો આગામી તા.૧૮ નવે.ને શનિવારે લાભપાંચમના પર્વ સુધી બંધ રહેશે. આ સાથે દશેક દિવસથી સ્થાનિક બજારો રોશનીથી ઝળહળા હતી તે હવે સુમશામ જણાશે. મીની વેકેશનના માહોલ વચ્ચે આબાલવૃધ્ધ સૌ કોઈ પ્રાકૃતિક, પર્યટન સ્થળોએ ફરવા માટે અને સાથોસાથ ધર્મસ્થાનકોમાં દર્શનાર્થે ઉમટી પડશે. રાત્રે કાન ફાડી નાખે તેવા બોમ્બના ધડાકા, આકાશમાં એક એકથી ચડીયાતી આતશબાજીની રંગોળી રચી પર્વાધિરાજ દિપોત્સવીની ઉજવણી કરાઈ હતી. દિવાળી બાદ સોમવારે ધોકો આવતા નૂતન વર્ષની ઉજવણીના તહેવારનો રંગ ભાંગ્યો હતો. આવતીકાલે મંગળવારે નૂતન વર્ષના પ્રભાતે ધર્મસ્થાનકોમાં ભાવિકો સજી ધજીને મંગળા દર્શન કરવા માટે ઉમટી પડશેે. પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શુભ મુર્હૂતે ગોવર્ધનપુજા કરાઈ હતી. બાદ દિવસ દરમિયાન વડીલોને પાયલાગણ, સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળને ગળે મળી, હાથ મિલાવી શુભેચ્છાની આપ-લે કરાશે. જયારે તા. ૧૫ ને બુધવારે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન ભાઈબીજના તહેવારની ઉજવણી કરાશે. ભાઈબીજના પર્વે ભાઈ પરિણીત બહેનોના ઘરે જમીને સ્મૃતિ ભેટ આપશે. જે સ્વીકારી બહેન તેમના ભાઈના દિર્ઘ આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરાશે.જયારે આગામી તા. ૧૮ ને શનિવારે લાભ પાંચમ ઉજવાશે. આ દિવસથી વેપારીઓ, દુકાનદારો દ્વારા નવા વર્ષના વેપાર ધંધાનુ શુભ મુર્હૂત કરશે.
નૂતન વર્ષની મંગળ પ્રભાતે વડીલોને પાયલાગણ કરી સગા સબંધીઓ અને મિત્ર વર્તુળને ગળે મળી, હાથ મિલાવી આર્શિવાદ લઈ નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરાશે
પારિવારિક સ્નેહમિલનની પરંપરા..
આવતીકાલે મંગળવારે નૂતન વર્ષના અવસરથી ગોહિલવાડમાં એકાદ સપ્તાહ સુધી પારિવારિક સ્નેહમિલનની પરંપરા જળવાશે. આ સાથે રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ ઉપરાંત તમામ જ્ઞાાતિ-સમાજ દ્વારા તબકકાવાર અત્ર, તત્ર અને સર્વત્ર સ્નેહમિલનના આયોજન કરવામાં આવી રહેલ છે.
આજે શકનનું કંકુ, શકનનું મીઠું સાંભળવા મળશે
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષના મંગળ પ્રભાતે ગોહિલવાડના રહેણાંકીય વિસ્તારોમાં કન્યાઓ શકનનું કંકુ અને શકનનું મીઠુ... મોટેથી બોલીને કંકુ અને મીઠુ ભરેલી થાળીઓ લઈને નિકળી પડશે. તેઓ ઘરે ઘરે ફરતા ગૃહિણીઓ હોંશે હોંશે તેઓની પાસેથી શકનનું કંકુ અને મીઠુ લઈને તેને યથાશકિત રોકડ નાણા આપીને રાજી કરશે.