Get The App

ભાવનગર શહેરમાં નેવાધાર અર્ધો ઈંચ, સિહોરમાં ધોધમાર બે ઈંચ વરસાદ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ભાવનગર શહેરમાં નેવાધાર અર્ધો ઈંચ, સિહોરમાં ધોધમાર બે ઈંચ વરસાદ 1 - image


પાલિતાણામાં એક, ઘોઘામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો, જિલ્લાના ૮ તાલુકામાં વરસાદ

સતત ચોથા દિવસે બપોર બાદ સતત એકથી દોઢ કલાક વાદલડી વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઃ ગારિયાધાર, તળાજા, મહુવા, જેસર અને ઉપરાળામાં પણ વરસાદ

ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદે આજે સતત ચોથા દિવસે પોતાનો ક્રમ જાળવ્યો છે. બપોર બાદ શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયાં હતા. છેલ્લા ૮ કલાકમાં જિલ્લાના ૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સિહોરમાં સૌથી વધારે બે ઈંચ, પાલિતાણામાં એક, ઘોઘામાં પોણો અને શહેરમાં અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત જિલ્લાના ગારિયાધાર, તળાજા, મહુવા, જેસર અને ઉમરાળા પંથકમાં વરસાદી માહોલ રહ્યો હતો. તેમજ શહેરમાં પણ બપોર બાદ નેવાધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સતત ચોથા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જામી હતી. શહેરમાં આજે દિવસ દરમિયાન આકાશ ખુલ્લું રહ્યું હતું પરંતુ બપોર બાદ એકાએક શહેરમાં ગોરંભાયેલું આકાશ થઈ ગયું હતું અને એકથી દોઢ કલાક સુધી વાદલડી વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગત મોડી રાતથી આજે મધ્યાહ્ન સુધી મેઘ વિરામના કારણે ગરમીનો પારો ૩૩.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો પરંતુ બપોર બાદ વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. આજે લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. તેમજ હવામાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા રહ્યું હતું. શહેરમાં આજે અર્ધો ઈંચ (૧૩ મિ.મી.) વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેરમાં સિઝનનો કુલ વરસાદ ૭૦ ટકા નોંધાઈ ચુક્યો છે. શહેર ઉપરાંત જિલ્લામાં આજે સિહોરમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. સિહોરમાં આજે ચાર કલાકમાં બે ઈંચ (૪૫ મિ.મી.) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત પાલિતાણા પંથકમાં પણ આજે દિવસ  દરમિયાન એક ઈંચ (૨૩ મિ.મી.) વરસાદ વરસ્યો છે. જ્યારે ઘોઘામાં પોણો ઈંચ (૧૮ મિ.મી.), ઉમરાળામાં ૯ મિ.મી., જેસરમાં ૫ મિ.મી., તળાજા અને મહુવામાં ૩-૩ મિ.મી. અને ગારિયાધાર પંથકમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ૮ કલાકમાં ૮ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં આગામી દિવસોમાં હજુ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. શેત્રુંજી જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં વરસાદને પગલે આજે શેત્રુંજી ડેમમાં પાણી આવક વધીને ૮૦૭ ક્યૂસેક થઈ છે. હાલ શેત્રુંજી ડેમની સપાટી ૨૭ ફૂટ ૬ ઈંચે પહોંચી છે.

બોટાદમાં બે કલાકમાં દોઢ ઈંચ અને બરવાળામાં એક ઈંચ વરસાદ

બોટાદ શહેર ઉપરાંત જિલ્લાના ગઢડા અને બરવાળામાં બપોરે ૪ કલાક બાદથી વરસાદી માહોલ જામ્યો હતો. બોટાદમાં ગુરૂવારે બપોરે ૪ થી સાંજે ૬ કલાક વચ્ચે દોઢ ઈંચ (૩૫ મિ.મી.) વરસાદ નોંધાયો હતો. બોટાદમાં પડેલા વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બોટાદ ઉપરાંત જિલ્લાના બરવાળા પંથકમાં પણ બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગઢડા પંથકમાં સામાન્ય ૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.


Google NewsGoogle News