Get The App

નેકનામમાં પેટ્રોલ પંપના માલિકને પતાવી દેવા ધમકીઃ 7 શખ્સો સામે ફરિયાદ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
નેકનામમાં પેટ્રોલ પંપના માલિકને પતાવી દેવા ધમકીઃ 7 શખ્સો સામે ફરિયાદ 1 - image


મોરબી જિલ્લામાં હુમલાના ૩ બનાવ

સાદુળકા ગામે ડમ્પર ચલાવવા બાબતે યુવાનને મારકૂટઃ સમાધાન માટે ગયેલા યુવાન ઉપર ટીંબડી ગામના પાટિયે હુમલો

મોરબી :  મોરબી જિલ્લામાં હુમલાના ૩ બનાવો નોંધાયા છે. જેમાં ટંકારાના નેકનામ ગામે પેટ્રોલ પંપના માલિકે સંચાલન કરનાર કર્મચારી પાસે હિસાબ માંગતા તેમને તથા તેમના પુત્રને પતાવી દેવાની ધમકી અપાતા ૭ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સાદુળકા ગામે ડમ્પર ચલાવવા બાબતે યુવાનને મારકૂટ કરાઇ હતી. ટીંબડી ગામના પાટિયે સમાધાન માટે ગયેલા યુવાન ઉપર હુમલો કરાયો હતો.

ટંકારા તાલુકાના નેકનામ ગામે પેટ્રોલ પંપ ધરાવતા અને રાજકોટ રહેતા અજીતસિંહ નાનભા ઝાલાએ પેટ્રોલ પંપનું સંચાલન કરતા પરાક્રમસિંહ અને સહદેવસિંહએ પૈસાની લેતી-દેતી અને હિસાબમાં ગોટાળા કરતા તેમને પેટ્રોલ પંપના સંચાલનમાંથી દૂર કર્યા હતા. આ બાબતનો ખાર રાખી અજીતસિંહને તથા તેમના પુત્ર કર્મરાજસિંહને ગાળો આપી પતાવી દેવાની ધમકી આપતા આરોપીઓ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટેપો જસુભા ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, વિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા, અભિરાજસિંહ યુવરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા (રહે. નેકનામ, તા. ટંકારા) વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના જૂના સાદુળકા ગામેથી લક્ષ્મીનગર તરફ કાચા રસ્તેથી મોહનસિંહ ઉર્ફે અટુભા ફતેસિંહ ઝાલા (ઉ.વ. ૨૬) ડમ્પર લઇ ફોનિક કલરના કારખાને મશીન ભરવા ગયા હતા ત્યારે ડમ્પર ચલાવવા પ્રશ્ને તેમની ઉપર હંસરાજભફાઇ તેજાભાઇ પાંચોટીયા, કપિલ હંસરાજભાઇ પાચોટીયા, સત્ય હંસરાજભાઇ પાંચોટીયા (રહે. તમામ લક્ષ્મીનગર)એ હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવાઇ હતી.

મોરબીના ટીંબીડી પાટિયા પાસે રહેતા રાધેશ્યામભાઇ ડામોર (ઉ.વ. ૨૪)ના મામાના દીકરા મહેશને કારખાનામાં ઝઘડો થતાં રાધેશ્યામભાઇ સમાધાન કરવા જતાં ક્રિષ્નપાલ, ક્રિષ્નપાલની પત્ની તથા મોહિત સહિત ત્રણે ધોકાથી માર મારી ઇજા પહોંચાડતા ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News