યુનિવર્સિટીના હિતમાં કાયમી કુલપતિની નિમણૂક કરવી જરૂરી : સરકારમાં રજૂઆત થશે
- યુનિ.ના મોટાભાગના હોદ્દાઓ ઇન્ચાર્જમાં
- પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને રજૂઆત : આચારસંહિતા દૂર થઇ છે ત્યારે ઝડપી નિર્ણય લેવા આવશ્યક
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિવિધ વિભાગના હેડ હાલ નથી. ફેકલ્ટી ડીન અને એસી, ઇસી સભ્યો પણ હાલ નથી. કુલસચિવનું પદ ઇન્ચાર્જમાં છે. લીગલમાં પણ સક્ષમ અધિકારી નથી ખુદ કુલપતિનું પદ પણ લાંબા સમયથી ઇન્ચાર્જથી ચાલી રહ્યું છે. ચૂંટણી પૂર્વે જાહેર થયેલ ડો.છાબરીયા પણ હાજર નહી થતા કુલપતિનો મામલો ગુચવાયો હતો.
આચારસંહિતાના કારણે નવી નિમણૂક કામગીરી અટકી હોવાનું સૌ કોઇનું માનવું હતું પરંતુ હાલ આચારસંહિતા ઉઠી ગયેલ છે ત્યારે સરકાર દ્વારા સર્ચ કમિટીએ સુચવેલા ત્રણ નામોમાંથી પણ કોઇ એકની નિમણૂક કરી શકે છે. પરંતુ આ નિમણૂક કામગીરી હજુ સુધી થઇ શકી નથી જેના કારણે ન છુટકે ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય છે. પરંતુ આ ઢીલી નીતિનું પરિણામ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. જેટલી ઝડપથી તટસ્થ અને યોગ્ય નિર્ણયો કાયમી કુલપતિ લઇ શકે છે તેટલા નિર્ણયો અને ઝડપ ઇન્ચાર્જમાં નથી હોતી જેથી કાયમી કુલપતિની તાકીદે નિમણૂક થાય તેવી માંગણી ઉઠવા પામી છે.
આ મામલે ભાવનગર આવેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને રાજુ બેરડીયા કારોબારી સભ્ય કોંગ્રેસ સમિતિ અનુજાતિ દ્વારા રજૂઆત થઇ હતી અને તેમણે પણ વહેલીતકે કુલપતિ મુકાય તેવી રજૂઆત રાજ્ય સરકારમાં કરીશ તેવી હૈયાધારણા આપી હતી.