Get The App

આજથી નવરાત્રિ મહાપર્વ, આદ્ય શકિતની અખંડ આરાધનાનો અમૂલ્ય અવસર

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
આજથી નવરાત્રિ મહાપર્વ, આદ્ય શકિતની અખંડ આરાધનાનો અમૂલ્ય અવસર 1 - image


- સાથીયા પુરાવો આજે, દિવડા પ્રગટાવો આજ, આજ મારે આંગણે પધારશે અંબે માડી...

- પ્રથમ નોરતાથી જ માઈ મંદિરોમાં જય જય માતાજીનો ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠશે : શહેરના મુખ્ય સક્લો ખાતે પરંપરાગત રીતે બહેનો માટે જાહેર નવરાત્રિ કાર્યક્રમ યોજાશે   

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા..., આવતીકાલ તા.૩ ઓકટોબરને ગુરૂવારથી જગત જનની મા જગદંબાની ભકિતના પાવનકારી અવસર નવલા નવલી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર સહિત ગોહિલવાડના શ્રધ્ધેય પ્રાચીન અને અર્વાચીન શકિતધામો અને માઈમંદિરોમાં માઈભકતોના મીની મેળાવડાઓ જામશે. આ સાથે ચોતરફ જય જય માતાજીના ગગનભેદી નારાઓ ગૂંજી ઉઠશે. ગોહિલવાડના ગામેગામ નવરાત્રિ પર્વ રંગે ચંગે ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. માઈભકતોમાં આસ્થાભેર ધર્મકાર્યોમાં જોડાવવા ઉત્સુકતા જોવા મળી રહેલ છે.

દિવંગત પિતૃઓનું તર્પણ કરવાના શ્રાધ્ધપક્ષનું ભાદરવા માસના અંતિમ દિવસ બુધવારે સર્વ પિતૃ અમાસ સાથે સમાપન થયા બાદ આવતીકાલ તા.૩ ઓકટોબરને ગુરૂવારથી શારદીય નવરાત્રિના પાવનકારી મહાપર્વનો મંગલમય પ્રારંભ થશે. આ સાથે માઈભકતો આદ્યશકિતની ભકિતમાં મગ્ન બની જશે. વર્ષ દરમિયાન શારદીય, ચૈત્રી, વાસંતિક અને ગુપ્ત એમ ચાર નવરાત્રિની ઉજવણી કરાય છે. જે પૈકી અતિ શુભદાયી ગણાતી શારદીય નવરાત્રિ મહોત્સવનો આવતીકાલ તા.૩થી મંગલમય પ્રારંભ થશે. શકિતની ભકિતના અનન્ય મહિમા ધરાવતા વર્ષના સૌથી વધુ લાંબા તહેવાર નવલાં નવરાત્રિ મહોત્સવની ચોમેર ભાવ અને ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. પ્રથમ નોરતે આવતીકાલ ગુરૂવારે સવારથી જ માઈમંદિરો અને મઢમાં મંગલ મુહૂતે શાસ્ત્રોકત રીતે સવારે ઘટ સ્થાપન કરાશે. આ પ્રસંગે માટીમાં અગીયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવશે. અને દશમાં દિવસે આ જવારાનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.

સૈકાઓથી ભારતીય સંસ્કૃતિની આગવી અને અલાયદી ઓળખ સમાન નવરાત્રિમાં શકિતના નવ સ્વરૂપની આરાધના કરાશે. નવરાત્રિના પ્રારંભથી શહેરીજનોની અનન્ય આસ્થાના પ્રતિક સમાન નગરદેવી રા.રા.ખોડીયાર માતાજી, નાના અને મોટા રૂવાપરી માતાજી, શીતળા માતાજી, મહાલક્ષ્મી માતાજી, નાના અને મોટા અંબાજી,બાલા બહુચરાજી, અકવાડાના માતૃમંદિર માતૃધામ, કાળીયાબીડના મેલડી માતાજી, શકિત માતાજી, આશાપુરા માતાજી, ભંડારીયાના બહુચરાજી માતાજી, નાગધણીબાના નાગલપરી ખોડીયાર માતાજી, ભગુડામા મોગલ માતાજી, ઉંચા કોટડામાં ચામુંડા માતાજી સહિતના તમામ તમામ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન માઈ મંદિરોમાં શ્રધ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડશે. આ સાથે ભાવિકો દ્વારા અનુષ્ઠાન, ચંડીપાઠ, નવાર્ણ મંત્રજાપ, ઉપવાસ એકટાણા કરવામાં આવશે. મોડી સાંજથીજ ચોમેર સુશોભીત કરાયેલા પ્રાચીન અને અર્વાચીન ધર્મસ્થાનકોમાં, શેરીઓ મહોલ્લાઓમાં, કોમ્યુનિટી હોલ, પાર્ટીપ્લોટ, ચોકમાં  તેમજ  જ્ઞાતિ, સમાજની વાડી, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયોમાં યુવા ખેલૈયાઓ દ્વારા મન મુકીને રાસગરબાની રમઝટ બોલાવવામાં આવશે.જયારે શહેરના હલુરીયા ચોક, આતાભાઈ ચોક, કાળુભા રોડ, ભગાતળાવ સ્થિત લાલગરબાવાનો મઠ, કરચલીયાપરા સહિતના સ્થળોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન અને અર્વાચીન ગરબી, ધાર્મિક અને ઐતિહાસિક ભવાઈ, નાટકો વિવિધ મંડળોના કલાકારો દ્વારા ભજવાશે. કાળક્રમે હવે પ્રાચીન ગરબીના આયોજનમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. જયારે આંબાવાડી, ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, કાળીયાબીડ અને ભગવતી સર્કલ સહિતના અનેક સ્થળોએ ફકત બહેનોના સાર્વજનિક રાસ ગરબાના આયોજનો રંગ જમાવશે. આ વર્ષે નવરાત્રિ અગાઉ એકાદ બે સંસ્થાઓને બાદ કરતા રાત્રિ બીફોર નવરાત્રિના આયોજનો બહુ ઓછા થયા હતા. 

નવરાત્રિ દરમિયાન ધૂમ ખરીદી કરાશે

નવરાત્રિના પવિત્ર દિવસોમાં વગર જોયુ શુભ મુર્હૂત ગણાતુ હોય આ મહાપર્વ દરમિયાન ગૃહ સુશોભન, શણગારની ચીજવસ્તુઓ, સોના ચાંદી, વાહન, જમીન,મકાન, પ્લોટ, મોબાઈલ તેમજ મનોરંજનના સાધનો સહિતની અઢળક શુકનવંતી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરવામાં આવશે. અસંખ્ય પરિવારો દ્વારા  નવરાત્રિ દરમિયાન નૂતન ગૃહ પ્રવેશ, વાસ્તુપૂજન, વેવીશાળ તેમજ કંકુપગલા સહિતના માંગલિક કાર્યો હાથ ધરવામાં આવશે. 

શેરી-મહોલ્લા, ફલેટ, સોસાયટીઓમાં નવરાત્રિનું આયોજન

ભાવનગર  શહેર અને જિલ્લામાં એક તકફ પ્રોફેશનલ નવરાત્રિ આયોજનોનો ક્રેઝ વધ્યો છે.બીજી તરફ,અમુક સ્થળે હજુ પણ પરંપરાગત રીતે પ્રાચીન ગરબા યોજાઈ રહ્યા છે. હાલ શહેર અને જિલ્લામાં પ્રોફેશનલ ગરબા આયોજનો વચ્ચે શેરી-મહોલ્લાથી લઈ ફલેટસ અને  સોસાયટીઓમાં ગરબાના કાર્યક્રમો યોજાશે. જો કે, આ કાર્યક્રમોમાં મોટાભાગે સ્થાનિક રહેવાસીઓ હેવાછતાં તેમાં નહીંવત સંખ્યા જ જોવા મળે છે. પરંતુ, આદ્યશક્તિના આ પર્વમાં ઘરઆંગણે થતાં કાર્યક્રમો હજુ પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. તે વાત મહત્વપૂર્ણ છે. 


Google NewsGoogle News