મહુવામાં પ્રિ-મોન્સુનની કામગીરી અંગે નગરપાલિકાની પોલ ખુલી ગઈ
- કપચી નાખીને ખાડા બુરાયા, લેવલીંગનો અભાવ
- પ્રથમ હળવા વરસાદમાં જ શહેરના માર્ગો પર પાણીના ખાબોચીયા ભરાયા, ખુલ્લી ગટરોથી અકસ્માતની શક્યતા
છેલ્લા ઘણા સમયથી મહુવા નગરપાલિકામાં રામરાજય અને પ્રજા દુઃખી જેવો ઘાટ ઘડાયો છે.લોકમુખે થતી ચર્ચા મુજબ ભ્રષ્ટાચારથી ખદબદતી મહુવા પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં એકબીજા કાઉન્સિલરો વચ્ચે જાણે કે, મતભેદની નીતિ અપનાવાતા તેનો ભોગ જનતા ભોગવી રહી છે એવી પણ ચર્ચાઓ જાગી છે કે સત્તા પર બેઠેલા નેતાઓ જે કાઉન્સિલરોને પસંદ કરે તેના જ કામો આગળ ચાલવા દેવા અને બાકીના કાઉન્સિલરોમાં આડો પગ કરવો તેવું પાલિકામાં સત્તાધીશો કરી રહ્યા છે તેના કારણે અમુક વોર્ડમાં નગરપાલિકા દ્વારા કામ કરાતા નથી. તો વળી અમુક વિસ્તારોમાં દુષિત ગટર ગંગા વહી રહી હતી અને પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ચોપડે કરી બિલ બનાવ્યા હોય તેવી પણ ચર્ચા જાગી છે જો કે, આ કહેવું શક્ય જ છે. કારણ કે, જાહેર માર્ગો પર હાલમાં પણ અનેક જગ્યાએ ખુલ્લી ગટરો જોવા મળી રહી છે તો અગાઉ પાણીની લીકેજ લાઈનો નાખવા માટે ખોદાયેલા ખાડાઓ હજુ માત્ર કપચી નાખીને બુરી નખાયા છે તેમના પર આર.સી.સી.નું લેવલીંગ પણ કરાયુ નથી જો હવે અકસ્માત સર્જાશે તો તે માટે જવાબદાર કોણ રહેશે. ભાજપના કાઉન્સિલરો અંદરો અંદર બે ગૃપમાં વેચાઈ ગયા છે જેના કારણે મહુવામાં વિકાસ ટલ્લે ચડયો છે. આ બાબતે વહેલી તકે નિવારણ આવે તેવું લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે. થોડા સમય પહેલા ભાજપના કાઉન્સિલર દ્વારા ભ્રષ્ટાચારના આરોપ પાલિકા પર લગાડાયા હતા કે,ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા અંગત કાઉન્સિલરોના કામો પાસ કરાઈ રહ્યા છે જયારે અમુક કાઉન્સિલર સાથે ઓરમાયુ વર્તન દાખવાઈ રહ્યું છે. તે બંને વચ્ચે મહુવાની આમ જનતાનો શું વાંક તે ચર્ચાસ્પદ બન્યુ છે.