મહાપાલિકાએ ફાયર સેફ્ટીના મામલે 10 દિવસમાં 88 મિલ્કતને સીલ માર્યા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
મહાપાલિકાએ ફાયર સેફ્ટીના મામલે 10 દિવસમાં 88 મિલ્કતને સીલ માર્યા 1 - image


- ભાવનગરમાં ફાયર સેફ્ટીના મામલે 300 થી વધુ મિલ્કતને નોટિસ ફટકારાઈ 

- 70 બિલ્ડીંગ-એકમના ધારકોએ વર્ક ઓર્ડર, બોન્ડ આપતા સીલ ખોલાયા, ફાયરના સાધનો નખાવવાની કામગીરી શરૂ 

ભાવનગર : રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગર મહાપાલિકાએ ગેમઝોનને સીલ માર્યા હતા અને ત્યારબાદ ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના નિયમનુ પાલન ન થતુ હોય તેવા એકમોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેથી વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારબાદ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરી હતી, જેના પગલે સીલ મારવાની કામગીરીને બ્રેક લાગી હતી પરંતુ છેલ્લા ૧૦ દિવસથી મહાપાલિકાના ફાયર વિભાગે ફરી કામગીરી હાથ ધરી છે અને ફાયર સેફ્ટીના મામલે ૮૮ મિલ્કતને સીલ માર્યા છે. 

રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ તથા બેન્કવેટ હોલ વગેરે જેવી જગ્યાઓ જયા નાગરિકો મોટા પ્રમાણમાં એકત્રીત થાય છે તેવી જગ્યાઓમાં ફાયર સેફટી અને તેને સંલગ્ન અન્ય બાબતોની ચકાસણી કરવા કમિટીની રચના કરવામાં આવી હતી. શહેરમાં ફાયર સેફ્ટીના નિયમનુ પાલન ન થતુ હોય તેવા આશરે પ૯ એકમને સીલ કરવામાં આવ્યા હતા તેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મહાપાલિકાએ સીલ મારવાની કામગીરી કેટલાક દિવસ યથાવત રાખતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ત્યારબાદ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો તેમજ ફાયર સહિતની કામગીરી માટે સમય આપવા માંગણી કરી હતી, જેના પગલે મહાપાલિકાએ સીલ મારવાની કામગીરીને બ્રેક મારી હતી. 

છેલ્લા ૧૦ દિવસથી ફરી મહાપાલિકાના ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે અને આશરે ૮૮ બિલ્ડીંગ-એકમને ફાયર સેફ્ટીના મામલે સીલ માર્યા છે. આ ઉપરાંત ૩૦૦થી વધુ મિલ્કતને ફાયર સેફ્ટીના સાધનો બંધ હોય, એનઓસી ન હોય વગેરે બાબતને લઈ નોટિસ ફટકારી છે. ૭૦ બિલ્ડીંગ-એકમના ધારકોએ વર્ક ઓર્ડર, બોન્ડ આપતા સીલ ખોલાયા છે અને આ મિલ્કતોમાં હાલ ફાયરના સાધનો નખાવવાની કામગીરી શરૂ હોવાનુ ફાયર વિભાગના સુત્રોએ જણાવેલ છે. આગામી દિવસોમાં ફાયર સેફ્ટીના મામલે સીલ મારવાની અને નોટિસ આપવાની કામગીરી યથાવત રહેશે તેમ ચર્ચાય રહ્યુ છે. 

ફાયર સેફ્ટીના મામલે સીલ મારતા વેપારીઓમાં ભારે રોષ 

ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટીના મામલે મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કડક કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે વેપારીઓના કામ-ધંધા ઠપ્પ થઈ ગયા છે તેથી વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વેપારીઓ દ્વારા આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં મહાપાલિકાએ નિયમ મુજબ કામગીરી યથાવત રાખી છે તેથી વેપારીઓ નારાજગી કરી રહ્યા છે. 


Google NewsGoogle News