Get The App

મહાપાલિકામાં એક જ જગ્યાએ 3 વર્ષથી ફરજ બજાવતા 60 જેટલા કર્મીની બદલી કરવા હિલચાલ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
મહાપાલિકામાં એક જ જગ્યાએ 3 વર્ષથી ફરજ બજાવતા 60 જેટલા કર્મીની બદલી કરવા હિલચાલ 1 - image


- સરકારમાં 3 કે 5 વર્ષે અધિકારી-કર્મચારીની બદલી થતી હોય છે પરંતુ મહાપાલિકામાં નિયમનુ પાલન થતુ નથી 

- કેટલાક કર્મચારીઓની અગાઉ બદલી કરાઈ હતી પરંતુ ભલામણા કરી ફરી મુળ જગ્યાએ ગોઠવાય ગયા હોવાની ચર્ચા 

ભાવનગર : સરકારમાં બદલીના નિયમનુ પાલન થાય છે પરંતુ ભાવનગર મહાપાલિકામાં બદલીના નિયમનુ પાલન થતુ નથી. સરકારી અધિકારી-કર્મચારીની ૩ થી ૫ વર્ષે બદલી કરવામાં આવતી હોય છે. મહાપાલિકામાં કેટલાક કર્મચારીઓ ઘણા વર્ષથી એક જ વિભાગમાં નોકરી રહ્યા છે પરંતુ તેઓની કોઈને કોઈ કારણસર બદલી કરવામાં આવતી નથી. મહાપાલિકામાં એક જ જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલીની હિલચાલ ચાલી રહી હોવાની ચર્ચા સાંભળવા મળી છે. વહીવટી સરળતા માટે અધિકારી-કર્મચારીઓની સામુહિક બદલી કરવી જરૂરી હોવાનુ ચર્ચાય રહ્યુ છે.

ભાવનગર મહાપાલિકામાં બદલીના નિયમનુ પાલન થતુ નથી તેથી કેટલાક કર્મચારીઓ લાંબા સમયથી એક જ વિભાગમાં ફરજ બજાવે છે, જેના પગલે ભાવનગર મહાપાલિકાના કમિશનરે ૩ વર્ષ કે પ વર્ષ એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી અને મહેકમ વિભાગે યાદી તૈયાર કરી ડેપ્યુટી કમિશનરને આપી દીધી છે. ૩ વર્ષ એક જ જગ્યાએ ફરજ બજાવતા આશરે ૬૦ કર્મચારી છે અને આ કર્મચારીઓની બદલીની હિલચાલ ચાલી રહી હોવાનુ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. મહેકમ વિભાગે કર્મચારીઓની યાદી આપી તેને પણ ઘણા દિવસ થઈ ગયા છે પરંતુ હજુ કર્મચારીઓની બદલીના ઓર્ડર કોઈ કારણસર કરવામાં આવ્યા નથી તેથી ચર્ચાનો માહોલ જામ્યો છે. આ કર્મચારીઓની બદલી કયારે થશે ? તેની રાહ જોવી જ રહી. 

ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં અગાઉ કેટલાક કર્મચારીઓ તો ૮-૧૦ વર્ષ કરતા વધુ સમયથી એક જ વિભાગમાં અને એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા પરંતુ ત્યારબાદ પૂર્વ કમિશનર ઉપાધ્યાયએ કેટલાક કર્મચારીઓની સામુહિક બદલી કરી હતી, જો કે ત્યારબાદ કેટલાક કર્મચારીઓ ભલામણ કરી ફરી મુળ જગ્યાએ ગોઠવાય ગયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. સરકારમાં ૩ થી ૫ વર્ષે કર્મચારી- અધિકારીની બદલી થતી હોય છે પરંતુ મહાપાલિકામાં સરકારના બદલીના નિયમનુ પાલન થતુ નથી. કેટલાક કર્મચારીઓ એક જગ્યા નોકરી કરીને કંટાળ્યા હોવાથી અન્ય વિભાગમાં જવાનુ ઈચ્છી રહ્યા છે, જયારે કેટલાક કર્મચારીઓ કોઈ કારણસર બદલી ના થાય તો સારૂ તેવુ ઈચ્છી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. વહીવટી સરળતા માટે અને કામગીરી ઝડપી થાય તે માટે મહાપાલિકાના કમિશનરે સામુહિક બદલી કરવી જરૂરી છે. 

મનપામાં અરજદારોને કામગીરી માટે થતા ધક્કા

ભાવનગર મહાપાલિકામાં એક ધક્કે ભાગ્યે જ કોઈ અરજદારનુ કામ થતુ હોય છે તેથી અરજદારોમાં રોષ જોવા મળતો હોય છે ત્યારે અરજદારોના કામ ઝડપી થાય તેવું આયોજન કમિશનરે કરવું જરૂરી છે. અરજદારનુ કામ આસાનીથી શું કામ નથી થતુ અને શું કામ અરજદારોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ? તે અંગે પણ કમિશનરે તપાસ કરી કડક પગલા લેવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.


Google NewsGoogle News