પારડીમાં ધડાકાભેર ટ્રાન્સફોર્મર ફાટતાં માતા-પુત્ર ગંભીર રીતે દાઝયા
છ માસમાં ત્રીજી વખત ટ્રાન્સફોર્મર ફાટયું
મૂળ બિહારના અને હાલ રીબડા રહેતાં મહિલા પુત્ર સાથે મામાજી સસરાને ત્યાં પારડી જતાં હતા
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના બેબીબેન સરમણભાઈ ગીરી (ઉ.વ.૩૦) પતિ સાથે રીબડા રહે છે. તેનો પતિ રીબડામાં જ કારખાનામાં કામ કરે છે. બેબીબેનના મામાજી સસરા પારડી ગામે રહે છે. આજે બપોરે ત્યાં જવા માટે બેબીબેન, પુત્ર અયાશ (ઉ.વ.૩) સાથે રવાના થયા હતા.
પારડી ગામે શીતળા માતાના મંદિર નજીક આવેલા ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બેબીબેન અને તેનો પુત્ર સખત રીતે દાજી જતાં બંનેને રાજકોટની સિવીલમાં ખસેડાયા હતા. બેબીબેનના મામાજી સસરા દિનેશભાઈ મિશ્રાએ જણાવ્યું કે જે ટ્રાન્સફોર્મરમાં આજે આગ ભભૂકી ઉઠી તેમાં જ ૬ મહિના પહેલાં પણ આગ ભભૂકી ઉઠી હતી.
જેમાં પિતા-પુત્ર દાઝી ગયા હતા. બાદમાં પિતાનું મોત નિપજયું હતું. દોઢ માસ પહેલાં પણ આજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે તે વખતે કોઈ દાઝયું ન હતું પરંતુ વાયરિંગ સળગીને ખાક થઈ ગયું હતું. આ રીતે છેલ્લા ત્રણ મહિનામાં એક જ જગ્યાએ આવેલું ટ્રાન્સફોર્મર ત્રણ વાર ફાટતાં ચર્ચા જાગી છે. આ ઘટનાને તંત્ર ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.