પાલીતાણા પાલિકાની જનરલ સભામાં મોટા ભાગના એજન્ડા સર્વસંમતિથી મંજૂર
- પ્રશ્નોના ઉત્તર આપવામાં ચિફ ઓફિસર અચકાતા હતા
- સભાના પ્રથમ એકાદ કલાક બાદ ભાજપ અને કોંગ્રેસના મહિલા નગરસેવિકાઓએ ચાલતી પકડી
પાલિતાણા પાલિકાની જનરલ સભા મળી હતી. જેમાં કુલ ૨૬ એજન્ડા પૈકી ખાસ ઓક્ટોબર ૨૦૨૩ થી જુન ૨૦૨૪ સુધીના હિસાબો હિસાબ શાખા દ્વારા રજુ કરાયા હતા. નવ માસના હિસાબો અંગે લાંબી ચર્ચા કર્યા વિના મંજુર કરાયા હતા. નિવૃત્ત થયેલા કર્મચારીને ગ્રેચ્યુઈટીની રકમ મંજૂર કરવા. ૧૫માં નાણાપંચની ગ્રાન્ટની રકમ ૧૯૬.૬૦ લાખ તથા ૨૨/ ૨૩ ના ૫૪.૯૦ લાખ તેમજ અન્ય ૧૮૫.૧૬ કરોડના કામની ચર્ચા સાથે મંજૂર કરાયા હતા. જયારે એજન્ડા નં.૧૭ નગરપાલિકા પાલીતાણા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિા મહોત્સવ બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવતો સર્ક્યુલર ઠરાવને બહાલી બાબતે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. નગરપાલિકા હાઇસ્કુલ શોપિંગ સેન્ટર, પરિમલ પુલ પાસે આવેલ નગરપાલિકા શોપિંગ સેન્ટર, તળાજા રોડ પર આવેલ નગરપાલિકાના શોપિંગ સેન્ટરના દુકાનના ભાડા પટ્ટા રીન્યુ કરવા બાબતે ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી. રાજકીય પાર્ટીના નગરસેવકો સોશ્યલ મિડીયામાં પ્રશ્ન માટે હંમેશા અગ્રેસર રહેતા હોય છે તેવા નગર સેવકો જનરલ બોર્ડમાં શાંત જોવા મળ્યા. ખરેખર જનરલ બોર્ડ જ પ્રજાનો અવાજ ઉઠાવવા માટે હોય છે. કોંગ્રેસના સિનિયર નગરસેવક રૂમીભાઈ શેખ દ્વારા અનેક એજન્ડાની વધુ વિગત માંગતા જે તે ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દોડતા જોવા મળ્યા હતા. એકંદરે પ્રમુખ સ્થાનેથી દરેકને સમય આપવામાં આવતો હોય છે. પરંતુ ભાજપ કે કોંગ્રેસના નગર સેવકોએ ખાડા ખરબચડા, તૂટેલ રસ્તા રિપેરિંગ શહેરમાં વિવિધ વિસ્તારમાં ઉભરાતી ગટરો, તેમજ અન્ય નાના-મોટા પોતાના વોર્ડના વિસ્તારના પ્રશ્નો અંગેની ચર્ચા કરતા હોય તેવું જોવા મળ્યુ ન હતુ. મોટા ભાગના નગર સેવકોએ જનરલ બોર્ડમાં પૂતળાની જેમ બેસી સમય પસાર કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસના બે-ચાર નગર સેવકોએ વિવિધ મુદ્દાઓની માહિતી માંગી અને પ્રશ્નો પૂછયા હતા. ૨૬ એજન્ડા પૈકી મોટા ભાગના એજન્ડા સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. વિવાદ જેમાં ઉભો થયો તેવા એજન્ડા બહુમતી થી પસાર કરવામાં આવ્યા હતા.